/connect-gujarat/media/media_files/2025/11/17/began-bhaja-2025-11-17-16-24-26.jpg)
શિયાળામાં રીંગણનું શાક ઘરઘરમાં બનતું સામાન્ય ભોજન છે, પરંતુ જો તમે દરરોજના એ જ સ્વાદથી કંટાળ્યા હોવ, તો બંગાળની ખાણીપીણીમાં લોકપ્રિય બેંગન ભાજા તમારા લંચ કે ડિનરને સ્વાદિષ્ટ અને અલગ બનાવવા માટે એક ઉત્તમ વિકલ્પ બની શકે છે.
શિયાળાના દિવસોમાં રીંગણ ખાસ કરીને વધારે સ્વાદિષ્ટ અને મજેદાર બને છે, અને તે મેથી, બટાટા, ફુલાવર અથવા દાળ-ભાત સાથે સારી રીતે મેળ ખાતું હોય છે.
બેંગન ભાજાની ખાસિયત એ છે કે તે બનાવવામાં ખૂબ જ સરળ છે, મસાલાની સુગંધથી ભરપૂર છે અને સૌથી મહત્ત્વપૂર્ણ તે ડુંગળી અને લસણ વગર પણ અત્યંત લાજવાબ બને છે. તેથી જ બપોરના ભોજનમાં તે એક હલકો, હેલ્ધી અને ઝડપી બની જતી વાનગી તરીકે બંગાળ તેમજ ઘણી બધી જગ્યાએ પસંદગીનું સ્થાન મેળવે છે.
શિયાળાની ઠંડકમાં ગરમાગરમ દાળ-ભાત સાથે પીરસવામાં આવતી બેંગન ભાજા એક એવી વાનગી છે જે સ્વાદમાં તો શ્રેષ્ઠ છે જ, પણ તેની મસાલેદાર મઝાથી ભૂખ પણ વધારે ચડે છે.
બેંગન ભાજા બનાવવાની પ્રક્રિયા અત્યંત સરળ અને ઘરેલુ છે. સૌથી પહેલાં તાજા અને મોટી સાઇઝનું રીંગણ લઈ તેને સારી રીતે ધોઈ ગોળ અને પાતળા સ્લાઇસમાં કાપી લો જેથી તે મસાલો સારી રીતે શોષી લે. હવે એક થાળીમાં હળદર, મીઠું, ધાણા પાવડર, કાળી મરી, ગરમ મસાલો, આદુ-મરચાંની પેસ્ટ અને થોડું તેલ ભેળવી મસાલો તૈયાર કરો.
આ મસાલામાં થોડું પાણી ઉમેરવાથી તે રીંગણ પર સમાન રીતે ચોંટે છે. તૈયાર કરેલા મસાલામાં તમામ રીંગણના ટુકડાઓને સારી રીતે મેરિનેટ કરી થોડા સમય માટે બાજુ પર મૂકી દો જેથી મસાલો અંદર સુધી શોષાઈ જાય. હવે નોન-સ્ટિક તવો ગરમ કરો અને તેમાં થોડું તેલ ઉમેરો.
મેરિનેટ કરેલા રીંગણના સ્લાઈસને એક પછી એક તવામાં મૂકી મધ્યમ તાપ પર શેકતા રહો. થોડા સમય બાદ તેને ફેરવી બીજી બાજુ પણ તેલ છાંટી શેલો ફ્રાય કરો જ્યાં સુધી તે સોનેરી, ક્રિસ્પી અને સંપૂર્ણપણે રાંધાઈ ન જાય. જ્યારે રીંગણ સુંદર સોનેરી રંગનું થઈ જાય, ત્યારે તેને બહાર કાઢીને દાળ-ભાત, રોટલી અથવા ખીચડી સાથે ગરમાગરમ પીરસો. બેંગન ભાજા શિયાળાના દિવસોમાં માત્ર સ્વાદ જ નહીં પરંતુ ભોજનમાં એક વિશેષતા ઉમેરે છે.