/connect-gujarat/media/media_files/2025/11/19/sukhdi-2025-11-19-15-40-26.jpg)
બાજરી સુખડી શિયાળાની ખાસ વાનગી ગણાય છે. બાજરીનો લોટ અને ગોળથી બનેલી આ સુખડી શરીરને કુદરતી ગરમી આપે છે અને ઠંડીના દિવસોમાં શરીરને તંદુરસ્ત રાખે છે.
સામાન્ય રીતે લોકો ઘઉંની સુખડી બનાવતા હોય છે, પરંતુ શિયાળા માટે બાજરીની સુખડી વધુ લાભદાયી માનવામાં આવે છે કારણ કે બાજરી મૂળથી ગરમ હોય છે અને તેમાં ગોળ ઉમેરવાથી તેની પૌષ્ટિકતા અને ઊર્જા બંને વધે છે. ઓછી સામગ્રી અને ઓછા સમયમાં આ વાનગી ઘરે સરળતાથી બનાવી શકાય છે.
બાજરીની સુખડી બનાવવા માટે સૌથી પહેલા કઢાઇમાં એક કપ દેશી ઘી ગરમ કરો. ઘી ઓગળી જાય પછી તેમાં તાજો બાજરીનો લોટ ઉમેરો અને મધ્યમ આંચ પર 8 થી 10 મિનિટ સુધી સતત હલાવતા રહો જેથી લોટ દાઝી ન જાય. જ્યારે લોટમાંથી ઘી છૂટું પડવા લાગે અને સુગંધ આવવા લાગે ત્યારે ગેસની આંચ ધીમી કરી દો. હવે તેમાં ગોળના ટુકડા ઉમેરો અને ગોળ સંપૂર્ણ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરો. લોટ અને ગોળ સારી રીતે ભળી જાય પછી ગેસ બંધ કરી દો.
હવે એક થાળી અથવા ટ્રે ને ઘી અથવા તેલથી ગ્રીસ કરી લો. ગરમ મિશ્રણ આ ટ્રેમાં રેડીને સમતલ ફેલાવો. ઉપરથી કાજૂ–બદામ જેવા ડ્રાયફ્રૂટના ટુકડાઓ છાંટી દો જેથી સુખડી વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને. થોડું સેટ થવા દો અને પછી ચાકુની મદદથી ચોરસ કે લંબચોરસ ટુકડાઓમાં કટ કરો. બાજરીની સુખડી સંપૂર્ણ રીતે જામી જાય પછી તેને ડબ્બામાં ભરી રાખો.
ઘરે બનાવેલી બાજરીની સુખડી 15 થી 20 દિવસ સુધી ફ્રેશ રહે છે અને શિયાળામાં સવારે કે સાંજે નાસ્તા તરીકે ખાવા માટે ઉત્તમ છે.