/connect-gujarat/media/media_files/2025/11/04/sabji-2025-11-04-14-19-46.jpg)
શિયાળો એટલે એવી ઋતુ જ્યારે ભૂખ વધારે લાગે છે અને ગરમ ગરમ, ચટપટું ખાવાનું મન થાય છે. આ ઋતુમાં તાજી શાકભાજી ભરપૂર મળે છે અને તે પણ સસ્તી દરે.
ઠંડીમાં શરીરને બીમારીઓથી બચાવવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મોસમી ખોરાક ખાવું ખૂબ ફાયદાકારક છે. એવી જ એક સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક વાનગી છે લસણીયા ચોળાનું શાક, જે સ્વાદમાં લાજવાબ હોવા સાથે શરીરને ગરમી પણ આપે છે.
આ વાનગીની વિશેષતા એ છે કે તેમાં લીલું લસણ ભરપૂર પ્રમાણમાં વપરાય છે. લસણમાં એન્ટીબાયોટિક અને એન્ટીઑક્સિડન્ટ ગુણધર્મો હોય છે, જે શરીરને તંદુરસ્ત રાખે છે. જાણીતા શેફ આનંદ કોટલે આ રેસીપી ખૂબ જ સરળ રીતે તૈયાર કરવાની રીત જણાવી છે, જે થોડા જ સમયમાં બની જાય છે અને ઘરમાં સૌને પસંદ આવે એવી બને છે.
લસણીયા ચોળા બનાવવાની રીત:
સૌ પ્રથમ મધ્યમ તાપ પર એક મોટા પેનમાં થોડું તેલ ગરમ કરો. ત્યારબાદ તેમાં રાઈ અને જીરું ઉમેરો અને તડતડ થવા દો. હવે તેમાં લીલા મરચાંની પેસ્ટ અને આદુની પેસ્ટ ઉમેરો અને 1-2 મિનિટ સુધી સાંતળો. પછી સમારેલી ડુંગળી ઉમેરો અને પારદર્શક થાય ત્યાં સુધી રાંધો. ત્યારબાદ ટામેટા ઉમેરો અને નરમ થાય ત્યાં સુધી કુક કરો. હવે તેમાં કટ કરેલું લીલું લસણ ઉમેરો અને થોડીવાર સાંતળો. ત્યાર પછી મીઠું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને જીરું પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. 2-3 મિનિટ સુધી કુક કર્યા બાદ તેમાં ઉકાળેલા ચોળા ઉમેરો અને ધીમા તાપે દહીં ઉમેરીને મિક્સ કરો. આખરે સમારેલું લીલું લસણ અને કોથમીર ઉમેરીને સર્વ કરો.
આ ચટાકેદાર લસણીયા ચોળાનું શાક રોટલી, ફુલકા કે ભાખરી સાથે ગરમાગરમ પીરસો. સ્વાદમાં લાજવાબ અને આરોગ્યમાં લાભદાયક — આ વાનગી શિયાળાની ઠંડીમાં તમારી ભૂખ અને સ્વાસ્થ્ય બંનેને સંતોષશે.