શિયાળામાં બનાવો લીલા લસણથી ભરપૂર કુંભણીયા ભજીયા, અહીં જાણો સરળ રેસીપી

કુંભણીયા ભજીયા સુરતની એક પ્રખ્યાત અને લોકપ્રિય વાનગી છે, જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં લોકોના દિલ અને સ્વાદ બંને જીતી લે છે.

New Update
bhajiya

કુંભણીયા ભજીયા સુરતની એક પ્રખ્યાત અને લોકપ્રિય વાનગી છે, જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં લોકોના દિલ અને સ્વાદ બંને જીતી લે છે.

લગ્નપ્રસંગો હોય કે વાડી-ફાર્મ પરની મોજમસ્તી, ગરમાગરમ કુંભણીયા ભજીયાની પાર્ટી વગર વાત અધૂરી લાગે. લીલા લસણની સુગંધ, મસાલાનો તીખો સ્વાદ અને બહારથી ક્રિસ્પી તથા અંદરથી નરમ ભજીયા – આ જ તેની ખાસિયત છે. અહીં આપેલી રેસીપીની સૌથી મહત્વની વાત એ છે કે આ કુંભણીયા ભજીયા બેકિંગ સોડા વગર પણ એકદમ નરમ અને કરકરા બને છે, જેને ખજૂર-આમલી અને ગોળની ચટણી સાથે ખાવાની મજા દૂણી થઈ જાય છે.

કુંભણીયા ભજીયા બનાવવાની રીત
સૌપ્રથમ લીલું લસણ, વઢવાણી લીલા મરચાં, લાલ મરચાં અને લીલી કોથમીરને પાણીમાં સારી રીતે ધોઈ લો. ત્યારબાદ તેને ઝીણી બારીક કાપી લો. હવે એક મોટા વાસણમાં સમારેલું લીલું લસણ, મરચાં, લીલી કોથમીર અને ખમણેલું આદું ઉમેરો. તેમાં એક ચમચી મીઠું અને લીંબુનો રસ નાખીને બધું સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને ઢાંકીને 10થી 15 મિનિટ માટે રાખી દો, જેથી લીલા લસણ અને કોથમીરમાંથી કુદરતી રીતે પાણી છૂટે.

થોડા સમય બાદ તેમાં ચણાનો લોટ ઉમેરો અને બધું સરખું મિક્સ કરો. હવે ધીમે ધીમે જરૂર મુજબ થોડું પાણી ઉમેરતા જાઓ અને ભજીયા માટે સહેજ જાડું ખીરું તૈયાર કરો. ધ્યાન રાખવાનું કે ખીરું બહુ પાતળું ન હોવું જોઈએ, નહીં તો ભજીયા તેલમાં ફેલાઈ જશે.

ગેસ પર કઢાઈ મૂકી તેમાં તેલ ગરમ કરો. તેલ મધ્યમ તાપે ગરમ થયા પછી હાથ કે ચમચીની મદદથી નાના-નાના ભજીયા તેલમાં મૂકો. મીડિયમ ફ્લેમ પર ભજીયાને ધીમે ધીમે તળો, જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન અને કરકરા ન થઈ જાય. ભજીયા સરસ રીતે તળી જાય પછી તેને બટર પેપર અથવા ટિશૂ પેપર પર કાઢી લો, જેથી વધારાનું તેલ શોષાઈ જાય.

ખજૂર-આમલી અને ગોળની ચટણી બનાવવાની રીત
એક વાસણમાં ગોળ, આમલી અને ખજૂર લો અને તેમાં પૂરતું પાણી ઉમેરીને લગભગ 30 મિનિટ સુધી પલાળી રાખો. ત્યારબાદ હાથ વડે ખજૂર અને આમલીને મસળી લો. હવે આ મિશ્રણને ગાળી લઈને તેનો રસ અલગ વાસણમાં કાઢી લો.

આ રસમાં એક-એક ચમચી તજ પાઉડર, શેકેલું જીરું પાઉડર, વરિયાળી પાઉડર, ધાણા પાઉડર, અડધી ચમચી સુંઠ પાઉડર, લાલ મરચું પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરી લો. આ ચટણી મીઠી, ખાટી અને મસાલેદાર સ્વાદથી ભરપૂર બને છે. જો તમારી પાસે સમય ઓછો હોય, તો આ મિશ્રણને થોડું ગેસ પર ઉકાળી પણ ચટણી તૈયાર કરી શકાય છે.

ગરમાગરમ કુંભણીયા ભજીયા સાથે આ ખજૂર-આમલી-ગોળની ચટણી પીરસો અને સુરતની આ પરંપરાગત વાનગીનો લાજવાબ સ્વાદ ઘરે બેઠા માણો.

Latest Stories