/connect-gujarat/media/media_files/2024/12/07/O4c5883YpYgQt5s8nxbv.jpg)
શિયાળાની ઋતુમાં ગાજર હલવો સૌનું મનપસંદ મીઠાઈ વાનગી છે.
સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તત્વોથી ભરપૂર આ હલવો લગ્ન–પ્રસંગથી લઈને રોજિંદા ઘરગથ્થુ મીઠાઈ સુધી દરેક જગ્યાએ જોવા મળે છે. સામાન્ય રીતે ગાજર હલવો ઘી, દૂધ, ખાંડ અને ડ્રાયફ્રૂટ્સ સાથે બને છે, જે શરીરને ઊર્જા અને પોષણ આપે છે. પરંતુ બજારમાં મળતો ગાજર હલવો બહોળા પ્રમાણમાં ખાંડ ધરાવતા હોવાથી ડાયાબિટીસ દર્દીઓ તેમજ ખાંડ ઓછું લેતા લોકો માટે યોગ્ય નથી. આ માટે અહીં રજૂ છે બિન-ખાંડ અને બિન-ગોળથી બનેલો શુગર ફ્રી ગાજર હલવો, જે ડાયાબિટીસ દર્દી પણ બ્લડ શુગર વધવાની ચિંતા કર્યા વગર ખાઈ શકે છે. આ રેસીપીમાં કુદરતી મીઠાશ માટે ખજૂરનો ઉપયોગ થાય છે, જે માત્ર મીઠાશ જ નહીં પરંતુ આયર્ન, ફાઇબર અને એનર્જી પણ આપે છે.
શરુઆતમાં ખજૂરની ઠળીયા તેને એક વાટકી પાણીમાં લગભગ 30 મિનિટ માટે પલાળી દો, જેથી તે નરમ થઈ જાય અને હલવામાં સરળતાથી ઓગળી જાય. ત્યારબાદ તાજા, લાલ અને નરમ ગાજરને સારી રીતે ધોઈને તેના રેશા અને છાલ કાઢી ખમણી ઉપર બારીક ખમણો. ગાજર જેટલું બારીક, હલવો એટલો જ ઝડપથી અને સરસ બને છે. હવે એક મોટી કઢાઈ ગરમ કરીને મધ્યમ તાપે ખમણેલું ગાજર રાંધી લો. દર બે–ત્રણ મિનિટે હલાવવાથી ગાજર દાઝતું નથી અને ધીમે ધીમે તેનો કાચો સુવાસ પણ દૂર થઈ જાય છે. ગાજર નરમ થઈ જાય અને તેનું પાણી સૂખાઈ જાય ત્યાં સુધી તેને પકવવું મહત્વનું છે.
હવે કઢાઈમાં દૂધ અથવા મોળો માવો ઉમેરો. દૂધ સાથે હલવો થોડી વાર લે છે પરંતુ ટેસ્ટ વધુ મલાઈદાર બને છે, જ્યારે માળો માવો ઉમેરવાથી હલવો તરત તૈયાર થઈ જાય છે. સાથે જ પાણીમાં પલાળેલી ખજૂર ઉમેરવી, જેથી તે દૂધ સાથે મિક્સ થઈને કુદરતી મીઠાશ આપે. ગાજર દૂધ શોષી લે ત્યાં સુધી ધીમા તાપે રાંધીને હલાવતા રહો. થોડા સમય બાદ ખજૂર ઓગળી જાય અને હલવો એકસરખો બનવા લાગે ત્યારે તેમાં કાજુ–બદામ જેવી ડ્રાયફ્રૂટ્સની થોડીક માત્રા અને સુગંધ માટે એલચી પાઉડર ઉમેરો. બધી સામગ્રી મિક્સ કરીને 2–3 મિનિટ હલવો ચાલું રાખશો તો તેનો રંગ, સુગંધ અને સ્વાદ અદ્ભુત બની જશે. આ રીતે બનાવેલો શુગર ફ્રી ગાજર હલવો સ્વાદમાં મીઠો, હેલ્ધી અને ડાયાબિટીસ ફ્રેન્ડલી બની જાય છે.
આ ઘરે બનાવેલો શુગર ફ્રી ગાજર હલવો 2–3 દિવસ સુધી ફ્રેશ રહે છે અને ફરી ગરમ કરીને ખાવામાં પણ એટલો જ સ્વાદિષ્ટ લાગે છે. શિયાળામાં ખાસ બનાવી શકાય તેવી આ વાનગી કુદરતી મીઠાશ અને પોષણથી ભરપૂર હોવાથી દરેક માટે ઉત્તમ છે. તમે ડાયાબિટીસ દર્દી હોવ કે શુગર એવોઇડ કરતાં હોવ, આ રસદાર અને આરોગ્યપ્રદ હલવો ચોક્કસ અજમાવો!