/connect-gujarat/media/media_files/2025/12/03/umbadiyu-2025-12-03-13-39-02.jpg)
શિયાળાની ઋતુ શરૂ થતાં જ ગુજરાતના રસોઇઘરોમાં વિશેષ સુગંધ અને સ્વાદની હલચલ જોવા મળે છે.
આ સમયમાં અનેક પરંપરાગત વાનગીઓની યાદ તાજી થાય છે, પરંતુ દક્ષિણ ગુજરાતનું ઉમ્બાડિયું સૌથી ખાસ અને લોકપ્રિય વાનગી તરીકે ઓળખાય છે. રાજનીતિમાં પણ આ વાનગી ચર્ચામાં આવી જ્યારે એક બેઠક દરમિયાન ઉમ્બાડિયું પીરસવામાં આવ્યું હોવાના આક્ષેપોને કારણે ઉપમુખમંત્રી હર્ષ સંઘવીએ વિરોધ પક્ષ પર કટાક્ષ કર્યો.
તેમણે સ્પષ્ટ કર્યું કે તમામ મહેમાનો સામાન્ય ભોજન જ લઈ રહ્યા હતા અને ઉમ્બાડિયું તો એ પરંપરાગત સ્થાનિક વાનગી છે, જે ન માત્ર આસ્વાદ્ય છે પણ સ્થાનિક લોકો માટે રોજગારનું સાધન પણ બની છે. આ ચર્ચા બાદ લોકોમાં ઉમ્બાડિયુ વિશે વધુ જાણવા ઉત્સુકતા વધેલી છે.
ઉમ્બાડિયું દક્ષિણ ગુજરાત, ખાસ કરીને વલસાડ–નવસારી વિસ્તારમાં શિયાળાની ઓળખ બની ગયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં તેને માટીનું ઉંબાડિયા અથવા હાંડવુ ઉંબાડિયા નામે ઓળખવામાં આવે છે. ઉમ્બાડિયું સામાન્ય રીતે માટીની હંડીને જમીન નીચે દાટીને ધીમા તાપે રંધવામાં આવે છે, જેના કારણે તેમાં એક કુદરતી સ્મોકી સુગંધ અને અસલ સ્વાદ વિકસે છે.
કાચા કેલા, રતાળુ, નાના બટાટા, શક્કરિયા, પાપડી, વાલોડા તથા લીલા–મીઠા મસાલાના મિશ્રણથી તૈયાર થતું આ વાનગી સંપૂર્ણપણે ઋતુને અનુરૂપ અને પૌષ્ટિક ગણાય છે. ઉમ્બાડિયાનો સાચો સ્વાદ છાલવાળા શાકભાજી સાથે જ મળે છે, કેમ કે છાલ રાંધવામાં તેમનો ભેજ અને સુગંધ જાળવી રાખે છે.
ઉમ્બાડિયું બનાવવાની રીત પણ તેની ખાસિયતો જેટલી જ રસપ્રદ છે. પહેલા બધા શાકભાજી છાલ સાથે ધોઈ લઈને તેમને મસાલાની પેસ્ટથી સારી રીતે કોટ કરવામાં આવે છે. પછી મોટા વાસણના તળિયે થોડું તેલ લગાવી કેળાના પાન બિછાવવામાં આવે છે. મસાલાવાળા શાકભાજીને તેની ઉપર ગોઠવીને ફરી કેળાના પાનથી ઢાંકી દેવામાં આવે છે.
આ ભરેલું વાસણ ધીમા તાપે 40થી 50 મિનિટ સુધી રંધાવામાં આવે છે. આ પ્રક્રિયા દરમ્યાન શાકભાજી પોતાનો રસ છોડે છે અને મસાલા સાથે ભળીને એક અનોખો સ્વાદ અને નરમાઈ પેદા કરે છે. તૈયાર ઉમ્બાડિયું લીંબુના રસ અને સિંગદાણા ચટણી સાથે પીરસવામાં આવે છે, જે તેના સ્વાદને વધુ ઊંચે લઈ જાય છે.
આ વાનગી ખાસ કેમ છે તે જાણવું સરળ છે—ઉમ્બાડિયું શિયાળામાં શરીરને ગરમી આપે છે, તે પ્રાકૃતિક છે, ઓછી તેલવાળી છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સાથે સાથે તે દક્ષિણ ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને રસોઈ કૌશલ્યનું પ્રતિનિધિત્વ કરે છે. સ્મોકી સ્વાદ, સુગંધ અને શાકભાજીના કુદરતી સ્વાદને જાળવી રાખવાની રીત આ વાનગીને અનોખી બનાવે છે.
એક સમય હતો જ્યારે ઉમ્બાડિયું ફક્ત ગ્રામ્ય વિસ્તારોમાં જ લોકપ્રિય હતું, પરંતુ છેલ્લા ચાર–પાંચ વર્ષોમાં તે શહેરોમાં પણ ભારે લોકપ્રિય બન્યું છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં અનેક ફૂડ સ્ટોલ્સ અને રેસ્ટોરન્ટોમાં ઉમ્બાડિયું શિયાળાની સીઝનમાં ખાસ ડિમાન્ડ ધરાવે છે. પરંપરાગત રીતથી બનેલું ઉમ્બાડિયું હવે ટ્રેન્ડિંગ વાનગી બની ગયું છે અને તેની સુગંધિત સફર ગામડાંથી શહેરો સુધી પહોંચી ગઈ છે.