ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જેના કારણે કોરોના વાયરસની બીજી લહેર લોકો માટે વધુ ઘાતક બની છે. દરરોજ રેકોર્ડ બ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ 5011 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે વધુ 49 લોકોનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. જોકે આજે શનિવારના રોજ નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસમાં અત્યાર સુધીના એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ હોવાનું પણ સામે આવ્યું છે.
જોકે, સમગ્ર રાજ્યમાં આજે 2525 જેટલા લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 312151 લોકો ડિસ્ચાર્જ થયા છે. તો સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2500ને પાર થઈ ગઈ છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 25129 પર પહોંચ્યો છે. જેમાંથી 192 જેટલા લોકો વેન્ટિલેટર પર અને 24937 જેટલા લોકો સ્ટેબલ છે. જોકે ગુજરાત રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ પણ 91.27 ટકા છે. તો સાથે જ આજે શનિવારે સુરત કોર્પોરેશનમાં 15 લોકો, અમદાવાદ કોર્પોરેશનમાં 14 લોકો, રાજકોટ કોર્પોરેશનમાં 8 લોકો, વડોદરા કોર્પોરેશમાં 4 લોકો, અમદાવાદમાં 2 લોકો, સુરેન્દ્રનગરમાં 2 લોકો, છોટાઉદેપુર, ગાંધીનગર, સુરત અને ગાંધીનગર કોર્પોરેશનમાં 1-1લોકોના મોત સાથે કુલ 49 જેટલા લોકોના મોત થયા છે. જેની સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4746 પર પહોંચી ગયો છે.