સાબરકાંઠા: આંતરોલી વાસદોલજી ગામે પાણીની 2 ટાંકી જર્જરિત, રહેણાંક વિસ્તારમાં ટાંકી હોવાથી લોકોમાં ભયનો માહોલ

New Update
સાબરકાંઠા: આંતરોલી વાસદોલજી ગામે પાણીની 2 ટાંકી જર્જરિત, રહેણાંક વિસ્તારમાં ટાંકી હોવાથી લોકોમાં ભયનો માહોલ

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના આંતરોલી વાસદોલજી ગામ ખાતે રહેણાંક વિસ્તારમાં આવેલ જર્જરિત હાલત વાળી પાણીની ટાંકી ભારે જોખમી બની છે. તાકીદે આ ટાંકીનું નવીનીકરણ નહીં કરવામાં આવે તો, આ નાના ગામમાં મોટી દુર્ઘટના થવાની સંભાવના સેવાઇ રહી છે.

તલોદ તાલુકાના આંતરોલી વાસદોલજી ગામના રાવળ સમાજની વસ્તીવાળા રહેણાંક વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી કેટલાક સમયથી ક્ષતિગ્રસ્ત થઇ છે. ગામમાં પાણી પુરવઠો પહોંચાડવા વર્ષો પહેલા નિર્માણ પામેલી આ ટાંકીની નજીકમાં જ આંગણવાડી પણ આવેલી છે. જો આ ટાંકી કે તેનો કેટલોક ભાગ તૂટી પડશે તો, રહેણાંક વિસ્તારના પ્રજાજનો તથા આંગણવાડીના બાળકો અને પરિવારને માટે ભારે જાનહાની સહિતનું જોખમ પેદા થશે તેવી દહેશત વ્યાપી છે. ટાંકી ક્ષતિગ્રસ્ત થતાં તેમાંથી પાણી ટપકતું હોવાથી પાણી વેડફાઇ જતાં પાણીનો બગાડ થાય છે. આંતરોલી વાસદોલજી પંથકના આ વિસ્તારની માંગણી છે કે, જવાબદાર તંત્ર જર્જરિત ટાંકીઓનું સમારકામ તત્કાળ કરાવે અથવા ટાંકી ઉતારી નવી ટાંકી બનાવે. ''ખેતરમાં ચાડિયા''ની માફક પંચાયતના માથે માત્ર ઊભેલી આ ટાંકી ઉતારી લેવાની તસ્દી આજદિન સુધી તંત્રએ લીધી નથી. ટાંકીઓ જર્જરિત હોવા છતાં કોઇ જવાબદાર તંત્રના પેટનું પાણી હાલતું નથી, ત્યારે અહીં કોઇ હોનારત થાય, જનજીવનની શાંતિ અને સલામતી ડહોળાય તે પહેલાં જ જર્જરિત ટાંકીઓના નવીનીનકરણનો નિર્ણય પંચાયત કે, સરકાર કક્ષાએથી લેવાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Latest Stories