સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે આવેલ ગુજરાત સ્ટેટ ફ્રૂટ વેજીટેબલ પ્રોસેસિંગ માર્કેટિંગ કો.ઓ. ફેડરેશન લી. દ્વારા વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તમ ક્વોલિટીની કારબાઇડ વગરની ગીર તલાલાની કેસર કેરી ગામેગામ અને શહેર સુધી પહોંચાડવાના નવતર પ્રયાસ એવા આમ ઉત્સવ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ઈડરના મોહનપુરા પાટિયા નજીક આવેલ ગુજરાત સ્ટેટ વેજીટેબલ પ્રોસેસિંગ માર્કેટિંગ કો.ઓ. ફેડરેશન દ્વારા હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને લઈ હાલની સીઝનમાં મોટા પ્રમાણમાં ખવાતી કેસર કેરીનું વેચાણ ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ રહ્યું છે. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે, ત્યારે ગુજરાત સ્ટેટ વેજીટેબલ ફેડરેશન ખેડૂતોની વ્હારે આવ્યું છે. જેને સૌરાષ્ટ્રની પ્રખ્યાત ગીર તલાલાની કેસર કેરી કારબાઈટ વગરની ડાયરેક્ટ ખેડૂતોની વાડીએથી ખરીદી કરી વ્યાજબી ભાવે 5 કિલોથી લઈ 10 કિલો સુધી પેકિંગમાં ઉપલબ્ધ કરવામાં આવી છે.
જે હાલમાં ગુજરાત સ્ટેટ ફડરેશનના શહેરોમાં ઉભા કરવામાં આવેલ સ્ટોલ ઉપર અને ગામેગામ સુધી પહોંચાડવાનો નવતર પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે આમ ઉત્સવનો શુભારંભ ઈડર ખાતે આવેલ ગુજરાત સ્ટેટ ફ્રૂટ વેજીટેબલ પ્રોસેસિંગ માર્કેટિંગ કો.ઓ. ફેડરેશન લી. દ્વારા કરવામાં આવ્યો છે. હાલ વકરતી કોરોના મહામારીને લઈ બહારથી લાવેલ શાકભાજીમાં રહેલ જીવાણુ અને બેક્ટેરિયા મારવા માટે લિક્વિડ અને ગોળનું પણ સાથો સાથ વેચાણ કરવામાં આવશે. જેથી ગુજરાતની જનતાને ઘરે બેઠા ગીર તલાલાની કેસર કેરીના રસની મધુરતા માણવા મળશે. તો સાથે જ આ નવતર પ્રયાસના શુભારંભ પ્રસંગે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.