ઘરકામની બાબતે માતા-પિતાની સાથે થયેલા ઝગડાને કારણે 15 વર્ષની એક કિશોરી બિહારથી ભરૂચ આવી પહોંચી હોવાની ઘટના સામે આવી છે.

સમયસર કાર્યવાહી કરતા ભરૂચ રેલવે સ્ટેશન પરથી યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવી હતી, જ્યાં તેને તાત્કાલિક આશ્રય અને સહાય પૂરી પાડવામાં આવી હતી.સેન્ટર ખાતે કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ જણાવ્યું હતું કે ઘરકામને લઈ માતા-પિતા દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી તે ઘરેથી નીકળી આવી હતી. કાઉન્સેલરો દ્વારા યુવતીને સમજાવી આશ્વાસન આપતાં યુવતીએ પોતાના પિતાનો સંપર્ક નંબર આપ્યો હતો.ત્યારબાદ સખી સેન્ટર દ્વારા યુવતીના પિતાનો ટેલિફોનિક સંપર્ક કરી દીકરી સુરક્ષિત હોવાનું જાણ કરી તેમને ભરૂચ આવવા જણાવ્યું હતું. માહિતી મળતા જ પિતા તાત્કાલિક ભરૂચ માટે રવાના થયા હતા.આગળના દિવસે પિતા સેન્ટર ખાતે પહોંચતા તેમની ઓળખ માટે આધાર પુરાવાની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ માતા-પિતા અને યુવતીનું કાઉન્સેલિંગ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતે સખી સેન્ટર દ્વારા પરિવાર વચ્ચે સુખદ સમાધાન કરાવી યુવતીનું માતા-પિતાની સાથે પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું.