મનપાના જળ સંચયના કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ
ગ્રાઉન્ડ રિચાર્જિંગ સ્ટ્રકચર માત્ર કાગળ પર બન્યાનો દાવો
નગરસેવક કિશન મેરે લગાવ્યા ગંભીર આક્ષેપ
રિચાર્જ બોરની જગ્યાએ સ્થળ પર માત્ર ખાડો જ હાજર!
અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ગેરરીતિની શંકા
ભાવનગર મહાનગરપાલિકાના વોટરવર્ક્સ વિભાગના કામોમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે,નગરસેવક કિશન મેરે આક્ષેપ કર્યા છે કે જળસંચય યોજના હેઠળ લાખો રૂપિયાના ખર્ચે કાગળ પર બાંધકામ બતાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
ભાવનગર મહાનગરપાલિકાના વોટરવર્ક્સ વિભાગના કામો સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે! જળસંચય યોજના હેઠળ લાખો રૂપિયાના ખર્ચે કાગળ પર બાંધકામો બતાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
કુંભારવાડા આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રાઉન્ડ રિચાર્જિંગ સ્ટ્રકચર નિર્માણ કરવાનો દાવો મનપા દ્વારા કરાયો હતો. પરંતુ, કોંગ્રેસના સ્થાનિક નગરસેવક કિશન મેરના જણાવ્યા અનુસાર સ્થળ પર કોઈ વાસ્તવિક બાંધકામ જ જોવા મળતું નથી! જમીન પર રિચાર્જ બોરના બદલે માત્ર એક ખુલ્લો ખાડો જ દેખાઈ રહ્યો છે.
આરોપ છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કામ માત્ર કાગળ પર દર્શાવીને લાખો રૂપિયાના બિલ પાસ કરી દેવાયા છે. એટલું જ નહીં, મનપાની થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન કામગીરી પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલો અંદાજે દોઢ વર્ષ જૂનો હોવાનું સામે આવ્યું છે, જેના પર વોટરવર્ક્સ વિભાગે તપાસ હાથ ધરી યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી છે.
