જાણો...શીતળા સાતમનું વ્રત અને મહત્વ : શીતળા સાતમની કથા!!!

New Update
જાણો...શીતળા સાતમનું વ્રત અને મહત્વ : શીતળા સાતમની કથા!!!

શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. જે વ્રતધારી સાધન-પૂજા અને કર્મ-પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે.

શીતળા સાતમ

સાતમના આગલા દિવસને રાંધણ છઠ્ઠ કહે છે. રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપીગૂંપી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને છે.

આ દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહિ, આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માંની વાર્તા સાંભળવી અથવા વાંચવી. આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે. આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે.

ચૂલો, સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે. ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકારને કેમ ભૂલી શકે? માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે. આંબાના રોપનું રહસ્ય એ છે કે, સમગ્ર કુટુંબવર્ગને આમ્રવૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે.

શીતળા માતાએ સાવરણી અને સૂપડું જેવાં ક્ષુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગિતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે. માન્યતા એવી છે કે, પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી, તેમનું આરોગ્ય જળવાય રહે છે.

આડકતરી રીતે જોઇએ તો સૂપડું એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતીક છે. એ જ રીતે સાવરણી એ પણ સ્વચ્છતા અને સુઘડતાનું પ્રતીક છે. આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુઘડતા રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે. એવો આ શીતળા સાતમના ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે.

જીવનમાં સ્વચ્છતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રી આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના-ઉપાસના કરે છે. આ સાધન-પૂજા અને કર્મ-પૂજા પોતાના જીવનમાં સાકાર થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓ માં જગદંબાને કરે છે. શીતળા માતાની ક્ષમા, સહનશીલતા અને ઔદાર્ય અજોડ છે. વ્રતધારી સ્ત્રીઓ માં શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઇચ્છે છે. શીતળા સપ્તમી વ્રત કરનાર વ્રતીએ આદ્યશક્તિ શીતળા દેવીની પ્રાર્થના કરવી જોઇએ. शीतलायै नमः એ મંત્રોચ્ચાર કરી દેવીની સ્થાપના કરવી. દેવીનું પૂજન કર્યા પછી સાત ગૌરીની પૂજા કરી સાતેય ગોયણીઓને પ્રેમપૂર્વક જમાડવી. શીતળા દેવીનું શીતળા સપ્તમી વ્રત કરનાર સ્ત્રીને કદી વૈધવ્ય આવતું નથી. આ વ્રતને "વૈધવ્યનાશન" વ્રત પણ કહેવાય છે.

  • શીતળા સાતમની કથા આ પ્રમાણે છે.

દેવદેવીઓની પૂજા ભારતવર્ષમાં પરાપૂર્વથી ચાલી આવે છે. શ્રાવણ વદ સાતમના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાની સંતતિની રક્ષા માટે પ્રાર્થના કરે છે. પ્રાતઃકાળે ઊઠી નાહી-ધોઈ પવિત્ર થઈ, માં જગદંબાની પૂજા કરી ટાઢું ખાય છે.

કથા એવી છે કે રાંધણ છઠ્ઠના દિવસે દેરાણી અને જેઠાણીએ વિવિધ પ્રકારની વાનગીઓ રાંધી હતી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગયા હતા.રાત્રે સૂમસામ શાંતિમા શીતળાદેવી ફરવા નીકળ્યા અને દેરાણી રૂપાને ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં જ આખા શરીરે દાઝી ગયાં, તેથી શાપ આપ્યો: "જેવી મને બાળી, એવું જ તારું પેટ એટલે તારી સંતતિ બળજો..."

રૂપાએ સવારે ઊઠીને જોયું તો ચૂલો ભડભડ બળી રહ્યો હતો. છોકરો પણ દાઝી ગયેલો હતો અને પથારીમાં મરેલો પડયો હતો ! દેરાણી રૂપા સમજી ગઈ કે જરૂર મને શીતળા માતાનો શાપ લાગ્યો છે. તે તો મૃત બાળકને લઈ શીતળા માતા પાસે ગઈ.

રસ્તામાં નાનકડી વાવ આવી. આ વાવનું પાણી એવું હતું કે તે પીતાની સાથે જ માણસનું મૃત્યુ થતું. આ વાવને વાચા થઈ, "બહેન ! તું માં શીતળાને પૂછજે કે, મારાં એવાં તે કયા પાપ હશે કે, મારું પાણી પીતાની સાથે જ જીવ મૃત્યુ પામે છે!"

"ભલે બહેન" એમ કહી રૂપા તો આગળ ચાલી ત્યાં એક બળદ માર્ગમાં મળ્યો. એની ડોકે પથ્થરનો મોટો ડેરો બાંધેલો. ડેરો એવો હતો કે હાલતાં ચાલતાં પગ સાથે અથડાયા કરે અને પગને લોહીલુહાણ કરી નાખે. બળદને વાચા થઈ, તેણે કહ્યું, "બહેન ! શીતળા માતાને મારા પાપનું નિવારણ પૂછતાં આવજો."

આગળ ચાલતાં ચાલતાં એક ઘેઘૂર વૃક્ષ નીચે એક ડોશીમાં માથુ ખંજવાળતાં બોલ્યાં, "બહેન ક્યાં ચાલ્યા? શીતળા માતાને મળવા...?"

"હા, માં" એમ કહીને રૂપાએ ડોશીનું માથું જોઈ આપ્યું. ડોશીમાંએ આશીર્વાદ આપ્યા કે, મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો... અને મૃત્યુ પામેલો તેનો પુત્ર આશીર્વાદ મળતાની સાથે જ સાજો થઈ ગયો. માં-દીકરો ભેટી પડ્યા. ડોશીમાંએ શીતળા માતાનું રૂપ લઈ દર્શન દીધા પછી પેલી વાવ અને બળદના દુઃખ પણ દૂર કર્યા.

હે શીતળા માતા જેવા તમે રૂપાના દીકરાને, વાવ અને બળદને ઠાર્યા એવા સૌને ઠારજો.. જય શીતળા માતા.

Latest Stories