ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી

અંકલેશ્વરમાં પાડવામાં આવ્યા દરોડા

ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો ઝડપાયો

ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વર GIDC વિસ્તારમાં કાર્યવાહી દરમિયાન એક રહેણાંક ફ્લેટમાંથી ગાંજો અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીએસ.આઇ એમ.કે. ગઢવીએ નોંધાવેલી ફરિયાદના આધારે તોરલ એપાર્ટમેન્ટ, પશુપતિ મંદિર પાસે આવેલા ફ્લેટ નંબર 301માં દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન મોહિતકુમાર રાજેશકુમાર પાલ ઉ.વ. 28ના કબજામાંથી અંદાજે 1.045 કિલોગ્રામ ગાંજો, 12.01 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. 93,280નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગાંજાનો જથ્થો ફરાર આરોપી મીથીલેશ પાસેથી અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ફરાર આરોપી દિપ્તેશ પટેલ પાસેથી વેચાણના હેતુસર લાવવામાં આવ્યો હતો અને ફ્લેટમાં રાખવામાં આવ્યો હતો.આ બનાવ અંગે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસ ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે.