અફઘાનિસ્તાને શુક્રવારે સતત બીજી વન-ડેમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને શ્રેણી જીતી લીધી હતી. શારજાહમાં રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે 177 રનથી જીત મેળવી હતી. વન-ડેમાં રનના મામલે આ તેમની સૌથી મોટી જીત છે. આ સાથે ટીમે પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાથી કોઈપણ ફોર્મેટમાં શ્રેણી જીતી છે.અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝની રેકોર્ડ સાતમી સદીના કારણે ટીમે આફ્રિકાને 312 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.ટાર્ગેટને ચેઝ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમ અફઘાન સ્પિનરો સામે ટકી શકી ન હતી અને 134 રનમાં સમેટાઈ ગઈ હતી. બર્થડે બોય રાશિદ ખાને 5 વિકેટ લીધી હતી જ્યારે નંગેલિયા ખરોટે 4 વિકેટ લીધી હતી. આફ્રિકા તરફથી કેપ્ટન ટેમ્બા બાવુમાએ સૌથી વધુ 38 રન બનાવ્યા. પ્રથમ વન-ડેમાં અફઘાનિસ્તાને દક્ષિણ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું હતું. ટીમે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.