/connect-gujarat/media/post_banners/808852fae95254f8c2b3b66bae8bbba3b2b7c1fc0f0b373c6498c308f8c5b3e5.webp)
ભારતમાં 5 ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થવાનો છે. 15 ઓક્ટોબરે શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે.
જો કે, આ મેચમાં લોકોને સૌથી વધુ રસ હોવાથી અમદાવાદમાં હોટેલ ભાડામાં ઉછાળા પછી હવે દિલ્હી અને મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઈટના ભાડાંમાં સામાન્ય દિવસો કરતા 8થી 10 ગણો વધારો થઈ ગયો છે. મેચના આગલા દિવસની ટિકિટની કિંમત 14 હજારથી લઈ 24 હજાર સુધી પહોંચી ગઈ છે.
ધસારાને ધ્યાનમાં રાખી કેટલીક એરલાઈન્સ વધારાની ફ્લાઈટો શરૂ કરવાનું પણ વિચારી રહી છે. ફ્લાઈટના ભાડાંની સાથે સાથે હોટેલ રૂમના ભાડાં પણ વધીને એક દિવસના 40 હજારથી માંડી 1 લાખ સુધી પહોંચી ગયા છે. 15 ઓક્ટોબરની મેચ પહેલાં સ્પાઈસ જેટ, ઈન્ડિગો, અકાસા, એર ઈન્ડિયા સહિતની એરલાઈનનું વન-વે ભાડું 24 હજારે પહોંચી ગયું છે.
મેચના બીજા દિવસે 16 ઓક્ટોબરે અમદાવાદથી મુંબઈની ટિકિટના 14 હજાર અને દિલ્હીની ટિકિટના ભાડાં 17 હજારે પહોંચી ગયા છે. સામાન્ય દિવસોમાં આ રૂટ પરના ભાડાં 2500થી 4 હજારની વચ્ચે હોય છે. મેકમાય ટ્રીપની સાઈટ પર જુલાઈ અંત, ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી અમદાવાદની એર ટિકિટ 2500થી 3 હજારમાં મળે છે. પરંતુ 14 ઓક્ટોબરે ભાડું 20 હજારથી વધુ છે. મેચ પૂર્વે અમદાવાદમાં હોટેલના રૂમના ભાડા લગભગ દસ ગણા વધી ગયા છે.
કેટલીક લક્ઝરી હોટેલો એક દિવસના રૂ. 40,000થી રૂ. 1 લાખની આસપાસ ચાર્જ કરી રહી છે. જે સામાન્ય દિવસોમાં 5થી 8 હજાર આસપાસ હોય છે. ITC નર્મદા, કોર્ટયાર્ડ બાય મેરિયોટ, હયાત અને તાજ સ્કાયલાઇન અમદાવાદમાં 15 ઓક્ટોબર માટે રૂમ ઉપલબ્ધ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મેચ માટે બોલીવૂડના સ્ટાર, ટોચના ઉદ્યોગપતિઓ, મોટા નેતા સહિત અનેક વીવીઆઈપી આવવાના છે.