ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના અધ્યક્ષ બન્યા છે. ICCના અધ્યક્ષ બનનાર તે સૌથી યુવા ભારતીય છે. જય શાહ 36 વર્ષની ઉંમરે આ જવાબદારી સંભાળશે. જય શાહ પહેલા ભારતના અન્ય દિગ્ગજ નેતાઓ આ પદ સંભાળી ચૂક્યા છે. મહત્વની વાત એ છે કે જય શાહ બિનહરીફ અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. હવે તેઓ 1 ડિસેમ્બરે જવાબદારી સંભાળશે. આ માટે જય શાહે BCCI સેક્રેટરીનું પદ છોડવું પડશે.
જય શાહ હવે ગ્રેગ બાર્કલેનું સ્થાન લેશે. આઈસીસીના અધ્યક્ષ પદ માટે જય શાહ એક માત્ર દાવેદાર હતા. આવી સ્થિતિમાં ચૂંટણી થઇ નહી અને જય શાહ બિનહરીફ ચૂંટાયા હતા. નોંધનીય છે કે અરજી કરવાની છેલ્લી તારીખ મંગળવાર (27 ઓગસ્ટ) હતી.
ICCના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. તેમણે સતત બીજી વખત આ પદ સંભાળ્યું છે. પરંતુ તેમણે તાજેતરમાં ત્રીજી ટર્મ માટેની રેસમાંથી હટવાનો નિર્ણય લીધો હતો.