દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચમાં ભારતની પ્લેઈંગ 11 બદલવામાં આવશે. ભારતના પ્લેઇંગ 11માં ફેરફારનું સૌથી મોટું કારણ છે પ્રથમ ટેસ્ટમાં ઇનિંગ્સ અને 32 રને મળેલી કારમી હાર. આ કારણે આવેશ ખાનને 3 જાન્યુઆરીથી રમાનાર મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બીજી ટેસ્ટ દરમિયાન ટીમ ઈન્ડિયામાં બેથી ત્રણ ફેરફાર જોવા મળી શકે છે.
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું બીજી ટેસ્ટમાં રમવું નિશ્ચિત છે.ફીટ ન હોવાને કારણે જાડેજા પ્રથમ ટેસ્ટમાં પ્લેઈંગ 11નો ભાગ નહોતો. પરંતુ હવે તે પ્લેઇંગ 11માં આર.અશ્વિનનું સ્થાન લેશે. આર અશ્વિન પ્રથમ ટેસ્ટમાં બોલ અને બેટથી યોગદાન આપવામાં નિષ્ફળ રહ્યો હતો. અશ્વિને પ્રથમ દાવમાં 8 રન બનાવ્યા હતા જ્યારે બીજા દાવમાં તે પ્રથમ બોલ પર જ ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. અશ્વિન બોલ સાથે પણ બિનઅસરકારક સાબિત થયો હતો અને 19 ઓવરમાં માત્ર 1 વિકેટ જ લેવામાં સફળ રહ્યો હતો.
પ્રસિદ્ધ કૃષ્ણાને પ્રથમ ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. કૃષ્ણા પર રોહિત શર્મા અને રાહુલ દ્રવિડની દાવ ફ્લોપ સાબિત થયો હતો. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ કૃષ્ણાને ખરાબ રીતે નિશાન બનાવ્યો હતો. કૃષ્ણાએ 20 ઓવરની બોલિંગમાં 93 રન આપ્યા અને તે માત્ર એક જ વિકેટ લેવામાં સફળ રહ્યો. આટલો મોંઘો સાબિત થયા બાદ ક્રિષ્નાનું પ્લેઈંગ 11માંથી બહાર થવું નિશ્ચિત છે. કૃષ્ણાના સ્થાને અવેશ ખાનને તક આપવામાં આવશે.