ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી ચાલી રહી છે. તેંડુલકર-એન્ડરસન શ્રેણીમાં ઘણા રેકોર્ડ તૂટી રહ્યા છે. ટીમ ઇન્ડિયાનો ટેસ્ટ મેચોમાં સિક્સરનો રેકોર્ડ પણ તૂટ્યો છે. આ શ્રેણીમાં ભારતીય બેટ્સમેનોએ એટલી બધી સિક્સ મારી છે કે આજ સુધી કોઈ ટીમ શ્રેણીમાં આટલી બધી સિક્સર ફટકારી શકી નથી, જ્યારે આ શ્રેણીની હજુ બે મેચ છે અને ભારતની એક ઇનિંગ બાકી છે.
ભારતે છગ્ગાનો રેકોર્ડ બનાવ્યો
ભારતે આ શ્રેણીમાં અત્યાર સુધી ઇંગ્લેન્ડ સામે 36 છગ્ગા ફટકાર્યા છે. ટીમ ઇન્ડિયાને આ પાંચ મેચની શ્રેણીમાં 10 ઇનિંગ રમવાની તક મળશે, જેમાંથી ભારતે આ રેકોર્ડ ફક્ત પાંચ ઇનિંગમાં તોડી નાખ્યો છે. ભારત પહેલાં આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝ અને ન્યુઝીલેન્ડના નામે હતો. વેસ્ટ ઇન્ડીઝે 1974-75માં ભારત સામે પાંચ મેચની શ્રેણીમાં 32 છગ્ગા ફટકાર્યા હતા. તે સમયે કેરેબિયન ટીમ ભારતના પ્રવાસે આવી હતી.
2014-15માં ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી શ્રેણીમાં પણ કંઈક આવું જ બન્યું હતું. જોકે, આ ટેસ્ટ શ્રેણી ત્રણ મેચની હતી. UAE માં રમાયેલી આ શ્રેણીમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાન સામે 32 છગ્ગા ફટકાર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડના છગ્ગાનો રેકોર્ડ તોડીને ભારત કોઈપણ ટીમ સામે ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર દેશ બની ગયો છે.