ભારતે વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું. રોહિત શર્માએ ચોગ્ગો ફટકારીને ભારતીય ટીમને જીત અપાવી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે માત્ર 114 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેપ્ટન શાઈ હોપે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 3 અને કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતે ઈશાન કિશનના 52 રનના આધારે 5 વિકેટે 118 રન બનાવ્યા અને મેચ જીતી લીધી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ગુડાકેશ મોતીએ 2, જેડન સેલ્સ અને યાનિકે 1-1 વિકેટ લીધી હતી.
ભારતીય ટીમે આ મેચમાં બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું અને વેસ્ટ ઈન્ડિઝને નાના સ્કોર પર રોકી દીધું. જો કે આ પછી ટીમ ઈન્ડિયાએ બેટિંગ ઓર્ડરમાં ઘણા પ્રયોગો કર્યા. રોહિત શર્મા અને વિરાટ કોહલી બેટિંગ કરવા ઉતરવાના મૂડમાં ન હતા. ઈશાન અને ગિલે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. સૂર્યકુમાર ત્રીજા નંબરે આવ્યો હતો. ચોથા નંબરે હાર્દિક અને પાંચમા નંબરે જાડેજા આવ્યો હતો. શાર્દુલે છઠ્ઠા નંબર પર બેટિંગ કરી હતી. જો કે, ભારતની 5 વિકેટ પડી જતાં, સુકાની રોહિતે બેટિંગ કરવા માટે બહાર આવવું પડ્યું અને મેચ સમાપ્ત કરવી પડી.