ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમનો પ્રથમ દાવ બીજા દિવસે 67.4 ઓવરમાં 245 રનમાં સમેટાઈ ગયો હતો. આજે ભારતે આઠ વિકેટે 208 રનથી રમવાનું શરૂ કર્યું હતું અને ટીમ 37 રન ઉમેરી શકી હતી. આજે પહેલો ફટકો મોહમ્મદ સિરાજ (22 બોલમાં 5 રન)ના રૂપમાં લાગ્યો હતો, જેને ગેરાલ્ડ કોએત્ઝીએ પેવેલિયન મોકલ્યો હતો. આ સાથે જ નાન્દ્રે બર્જરે રાહુલને ક્લીન બોલ્ડ કરીને ભારતની ઇનિંગ્સનો અંત આણ્યો હતો.
આજે જ્યારે ટીમ ઈન્ડિયા મેદાન પર આવી ત્યારે રાહુલ 70 રન બનાવીને રમી રહ્યો હતો. આ પછી, તેણે કોએત્ઝીની બોલ પર છગ્ગો ફટકારીને તેની ટેસ્ટ કારકિર્દીની આઠમી સદી પૂરી કરી. તે 137 બોલમાં 14 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 101 રન બનાવીને આઉટ થયો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી કાગીસો રબાડાએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. નાન્દ્રે બર્જરને ત્રણ, માર્કો જેન્સેન અને ગેરાલ્ડ કોએત્ઝીને એક-એક વિકેટ મળી હતી.
કેએલ રાહુલે સદી ફટકારવાની સાથે એક અનોખી સિદ્ધિ મેળવી હતી. તે ભારતના બેટ્સમેન દ્વારા ટેસ્ટ સદીમાં બાઉન્ડ્રી દ્વારા સૌથી વધુ રન બનાવનારો ત્રીજો ખેલાડી બન્યો હતો.
• 87.85 એસ ધવન (94/107) વિ અફઘાનિસ્તાન, બેંગલુરુ 2018
• 80.65 વીવીએસ લક્ષ્મણ (100/124*) વિ ન્યુઝીલેન્ડ, નેપિયર 2009
• 79.20 કેએલ રાહુલ (80/101) વિ દક્ષિણ આફ્રિકા, સેન્ચુરિયન 2023