-
વડદલા ગામ સ્થિત ક્વીન ઓફ એન્જલ સ્કૂલ ખાતે આયોજન
-
IPLમાં ટુંકા ગાળામાં જ લોકપ્રિય બનેલી ટીમ ગુજરાત ટાઇટન્સ
-
ગુજરાત ટાઇટન્સ ટીમ દ્વારા લેટ્સ સ્પોર્ટ્સ આઉટ કાર્યક્રમ યોજાયો
-
ક્રિકેટ, ફૂટબોલ, સ્પોર્ટ્સ ક્વીઝમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો
-
મોટી સંખ્યામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ-વાલીઓની ઉપસ્થિતિ
ભરૂચના વડદલા ગામ સ્થિત ક્વીન ઓફ એન્જલ સ્કૂલ ખાતે ઇન્ડીયન પ્રીમિયર લીગમાં ટુંકા ગાળામાં લોકપ્રિય બનેલી ગુજરાત ટાઇટન્સની ટીમ દ્વારા લેટ્સ સ્પોર્ટ્સ આઉટ નામનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ક્રિકેટ, ફૂટબોલ, સ્પોર્ટ્સ ક્વીઝ સાથે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
જુનિયર ટાઇટન્સ સીઝન-2 પ્રોગ્રામ તળે ભરૂચના વડદલા ગામમાં આવેલી ક્વીન ઓફ એન્જલ સ્કૂલ ખાતે લેટ્સ સ્પોર્ટ્સ આઉટ થીમ પર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ માટે આકર્ષણ જગાવવાના હેતુથી તથા ખેલદીલીની ભાવના નાની ઉંમરથી જ વિદ્યાર્થીઓમાં કેળવાય તેવા હેતુથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં યોજાયેલા પ્રોગ્રામમાં અંદાજિત 20 સ્કૂલોએ ભાગ લીધો હતો. જે પૈકી 3 સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓએ ક્રિકેટ, ફૂટબોલ, સ્પોર્ટ્સ ક્વીઝમાં ભાગ લીધો હતો. આ અંગે પ્રોગ્રામનું આયોજન કરનાર આયોજકે જણાવ્યું હતું કે, ગુજરાત માં જુનિયર ટાઇટન્સનો હકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો. તેઓનો હેતુ માત્ર ક્રિકેટથી આગળ વધીને આઉટડોર પ્લેમાં વધુને વધુ બાળકોને જોડાવા માટે પ્રેરિત કરવાનો છે.
જુનિયર ટાઇટન્સ રમતો પ્રત્યેના જુસ્સાને પોષવા અને વિવિધ આઉટડોર પ્રવૃત્તિઓમાં સક્રિય સહભાગિતાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આ કાર્યક્રમ દરમિયાન બાળકોએ અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.
જેમાં રસપ્રદ વોર્મ અપ એક્ટિવિટીમાં ગુજરાત ટાઇટન્સની ગૌરવશાળી ક્ષણો નિહાળવી અને ફન ક્વિઝ અને ગુજરાતની આઇપીએલ વિજેતા ટ્રોફી અને બીજી રનર્સ અપ ટ્રોફી પાસે પોતાની ફોટોગ્રાફી કરાવી ઉત્સાહિત બન્યા હતા. તેમણે ફિટનેસ એક્સરસાઇઝ, ફેસિંગ ધ બોલિંગ મશીન, હીટિંગ ધ સ્ટમ્પ્સ, બોલિંગ અને પેનલ્ટી કિક જેવી રોમાંચક ચેલેન્જીસમાં પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.