વન-ડે વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સે બીજી મેચ જીતી લીધી છે. ટીમે કોલકાતામાં બાંગ્લાદેશને 87 રનથી હરાવ્યું હતું. આ પહેલા નેધરલેન્ડ્સે દક્ષિણ આફ્રિકાને પણ હરાવ્યું હતું. બીજી જીત સાથે ડચ ટીમે ટુર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ કરતાં વધુ મેચ જીતી છે. ઇંગ્લેન્ડ અત્યાર સુધી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહ્યું છે અને તે પોઈન્ટ ટેબલમાં 10માં નંબર પર છે.
ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં નેધરલેન્ડ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમે 50 ઓવરમાં 229 રન બનાવ્યા જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 42.2 ઓવરમાં 142 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. નેધરલેન્ડ્સના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે 68 રન બનાવ્યા હતા જ્યારે પોલ વેન મીકેરેને 4 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન માટે મીકરેનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.