પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં સફેદ બોલના કોચનું પદ છેલ્લા ઘણા મહિનાઓથી ખાલી હતું. આ પહેલા ગેરી કર્સ્ટન પાકિસ્તાન ટીમના વ્હાઈટ બોલ કોચ હતા, જેમણે અચાનક આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હાલમાં જ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પાકિસ્તાન ટીમના લાલ બોલના કોચ જેસન ગિલેસ્પીને સફેદ બોલ માટે વચગાળાના કોચની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ એક મોટું પગલું ભર્યું છે. PCBએ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આકિબ જાવેદને વચગાળાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે.
પીસીબીએ આ નિમણૂકને અસ્થાયી ગણાવી છે અને કહ્યું છે કે સ્થાયી વ્હાઈટ બોલ કોચની ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી ચાલનારી ચેમ્પિયન્સ ટ્રોફી પછી કાયમી કોચની જાહેરાત કરવામાં આવશે. ગેરી કર્સ્ટનના અચાનક રાજીનામા બાદ આ પદ ખાલી થઈ ગયું હતું, જેના કારણે બોર્ડે આ કામચલાઉ પગલું ભરવું પડ્યું હતું. આ સિવાય એવા પણ સમાચાર હતા કે PCBએ જેસન ગિલેસ્પીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સુધી સફેદ બોલની ટીમના કોચ બનવાની ઓફર કરી હતી. પરંતુ ગિલેસ્પીએ આ જવાબદારી નકારી કાઢી હતી કે તેના વર્તમાન પગારમાં કોઈ વધારો થયો નથી.