ઓલિમ્પિક ગેમ્સના 17 દિવસ બાદ પેરિસમાં પેરાલિમ્પિક ગેમ્સ સત્તાવાર રીતે શરૂ થઈ છે. પેરા ગેમ્સની ઓપનિંગ સેરેમની ગુરુવારે રાત્રે થઈ હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને સ્ટેડિયમની બહાર આયોજિત સમારોહમાં તેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ગેમ્સના ઈતિહાસમાં પ્રથમ વખત સ્ટેડિયમની બહાર ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
પેરિસ ઓલિમ્પિક ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ પણ સ્ટેડિયમની બહાર યોજાયો હતો.આ સમારોહમાં હજારો ખેલાડીઓએ પરેડ ઑફ નેશન્સમાં ભાગ લીધો હતો. પરેડ ચેમ્પ્સ-એલિસીસ એવન્યુથી શરૂ થઈ અને પ્લેસ ડે લા કોનકોર્ડ સુધી આગળ વધી. અહીં લગભગ 50 હજાર લોકોએ આ ઐતિહાસિક ચોકની આસપાસ બનેલા સ્ટેન્ડ પરથી સમારોહ નિહાળ્યો હતો. અહીં વ્હીલચેરમાં આવેલા એથ્લેટ્સ માટે એવન્યુ અને ચોકમાં ડામરની પટ્ટીઓ નાખવામાં આવી હતી.પરેડ ઑફ નેશન્સમાં ભારતીય ખેલાડીઓ પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. જેવલિન થ્રોઅર સુમિત અંતિલ (F-64) અને શોટ પુટ ખેલાડી ભાગ્યશ્રી જાધવ (F-34)એ તિરંગો લહેરાવ્યો હતો.