T20 વર્લ્ડ કપ શરુ થવાને હવે ગણતરીના દિવસ બાકી છે. અમેરિકામાં પ્રથમવાર T20 વર્લ્ડ કપ યોજાવા જઈ રહ્યો છે. જેને લઈને ક્રિકેટના ચાહકોમાં ઉત્સુકતા સતત વધી રહી છે.જો કે બીજી તરફ ન્યૂયોર્કમાં યોજાનારી આ મેચ પર આતંકવાદી સંગઠન ISIS-K (ખોરાસાન)ની ખરાબ નજર છે. આ મેચ પર આતંકી હુમલાનો ખતરો મંડરાઇ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્ક પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ વધારવાનો નિર્ણય લીધો છે.
અમેરિકામાં પ્રથમ વખત ક્રિકેટને આટલું મહત્વ મળી રહ્યું છે. ખાસ કરીને ભારત અને પાકિસ્તાનની મેચને લઈને ચાહકોની અધીરાઈ ચરમસીમાએ છે. આ મેચ કોઈપણ વર્લ્ડ કપ ફાઈનલ જેટલી જ મહત્વપૂર્ણ છે અને દરેકનું ધ્યાન આકર્ષિત કરે છે. જો કે હંમેશની જેમ માત્ર ચાહકો જ નહીં પરંતુ રમતને બગાડવાનો ઇરાદો ધરાવતા કેટલાક દળોની પણ તેના પર નજર છે.T20 વર્લ્ડ કપ 2024 માટે અમેરિકામાં 3 સ્થળો છે, જેમાંથી ન્યૂયોર્કમાં પ્રથમ વખત ક્રિકેટ મેચનું આયોજન થવા જઈ રહ્યું છે. આ માટે ન્યુયોર્ક સ્ટેટના નાસાઉ કાઉન્ટીના આઈઝનહોવર પાર્કમાં એક અસ્થાયી સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે. લગભગ 30 હજાર દર્શકોની ક્ષમતાવાળા આ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ મેચ સહિત 4 મેચ રમશે, જેમાં સૌથી ખાસ ભારત-પાકિસ્તાન મેચ 9 જૂને છે.