ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની સોમવારે લંડનમાં એડીની સફળ સર્જરી કરવામાં આવી હતી. શમીએ તેના સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. શમીએ ગયા વર્ષે ટીમ ઈન્ડિયા માટે ODI વર્લ્ડ કપ રમ્યો હતો, જે બાદ તે ઈજાના કારણે ક્રિકેટ રમી શક્યો નહોતો.
શમીએ સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કરીને લખ્યું, મારી એડીનું સફળ ઓપરેશન થયું. રિકવરી થવામાં સમય લાગશે પરંતુ હું મારા પગ પર ઊભો થવા અને જલદી બોલિંગ કરવા માટે ઉત્સાહિત છું.સર્જરી બાદ શમીને લગભગ 3 થી 4 મહિના આરામ કરવો પડી શકે છે. આ પછી જ તે પ્રેક્ટિસ શરૂ કરશે. NCA તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળ્યા બાદ જ તેને મેચ રમવાની મંજૂરી મળશે. આમાં 6 થી 8 મહિનાનો સમય લાગી શકે છે.PTIના જણાવ્યા અનુસાર, સર્જરી બાદ શમી IPL તેમજ T20 વર્લ્ડ કપ પણ રમી શકશે નહીં. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનારી બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે પણ તેના માટે ફિટ રહેવું મુશ્કેલ છે. જોકે BCCIને આશા છે કે ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી ટેસ્ટ શ્રેણી સુધીમાં શમી ફિટ થઈ જશે.