સ્ટાર મહિલા રેસલર વિનેશ ફોગાટે રેસલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચ્યો છે. વિનેશ વિશ્વ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ અને એકંદરે બીજી ભારતીય કુસ્તીબાજ બની છે. વિનેશે બુધવારે બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. આ વર્લ્ડ ચેમ્પિયનશિપ સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં રમાઈ રહી છે. વિનેશ આ વખતે ગોલ્ડની અપેક્ષા રાખતી હતી. પરંતુ તે મહિલાઓની ફ્રી સ્ટાઇલ 53 કિગ્રામાં ક્વોલિફિકેશન રાઉન્ડમાં મંગોલિયાની ખુલ્લન બટખુયાગ સામે 0-7થી હારી ગઈ હતી.
પરંતુ હવે તેણે શાનદાર પુનરાગમન કર્યું અને 53 કિગ્રા વજન વર્ગની રેપેચેજ મેચમાં સ્વીડિશ કુસ્તીબાજ એમ્મા જોઆના માલમગ્રેનને 8-0 થી હરાવ્યો. આ સાથે વિનેશે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પહેલા તેણે 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ બ્રોન્ઝ જીત્યો હતો. ત્યારબાદ આ વર્લ્ડ ચેમ્પિયનશિપ કઝાકિસ્તાનના નૂર સુલ્તાનમાં યોજાઈ હતી.