અનુભવી બેટર વિરાટ કોહલી અને વિકેટકીપર રિષભ પંત 2024-25 રણજી ટ્રોફીની કેટલીક મેચ રમી શકે છે. 2019 પછી પહેલીવાર આ બંને ખેલાડીઓને દિલ્હીના સંભવિતોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે ઝડપી બોલર ઈશાંત શર્માને સ્થાન આપવામાં આવ્યું નથી. બુધવારે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન (DDCA)એ 84 ખેલાડીઓની યાદી જાહેર કરી.વિરાટ કોહલીએ છેલ્લે 2012-13ની સિઝનમાં રણજી મેચ રમી હતી. રિષભ પંતે તેની છેલ્લી રણજી મેચ 2015માં રમી હતી.
રણજી ટ્રોફીની વર્તમાન સિઝન 11 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. દિલ્હીની પ્રથમ મેચ છત્તીસગઢ સામે રમાશે, જોકે આ મેચનું સ્થળ નક્કી કરવામાં આવ્યું નથી.કોહલી અને પંત વર્તમાન રણજી ટ્રોફીની માત્ર થોડી જ મેચ રમી શકશે, કારણ કે ટીમને ઓક્ટોબરમાં બાંગ્લાદેશ સામે 3 T20 મેચ રમવાની છે. ત્યારબાદ 16મી ઓક્ટોબરથી ન્યૂઝીલેન્ડ સામે 3 ટેસ્ટ મેચની સિરીઝ પણ રમાનાર છે. દરમિયાન દિલ્હીની રણજી મેચ પણ 11 ઓક્ટોબરથી યોજાશે.આવી સ્થિતિમાં વિરાટ કોહલી આ મેચનો ભાગ બની શકે છે, કારણ કે તેણે T20 ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે, જ્યારે રિષભ પંતને T20 સિરીઝમાંથી આરામ આપવામાં આવી શકે છે.