વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ત્રીજું ચક્ર (2023-25) શરૂ થઈ ગયું છે. આ સ્પર્ધામાં સામેલ 6 ટીમોએ 1-1 શ્રેણી રમી છે, જ્યારે ત્રણ ટીમોએ તેમના અભિયાનની શરૂઆત કરવાની બાકી છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સૌથી વધુ પાંચ ટેસ્ટ મેચ રમ્યા છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝે 2-2 મેચ રમી છે. બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નવા ચક્રમાં તેમના અભિયાનની શરૂઆત કરવાના છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પોઈન્ટ ટેબલમાં હાલમાં પાકિસ્તાન પ્રથમ સ્થાને છે અને ભારત બીજા સ્થાને છે. જો ફાઈનલ મેચ સુધી પરિસ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય તો ટેસ્ટ ચેમ્પિયનશિપની આગામી ફાઈનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે.
એશિઝમાં ધીમી ઓવર રેટ માટે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને પોઈન્ટ કાપવામાં આવ્યા હતા, જેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલને અસર કરી છે. એશિઝના અંતે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પર પ્રતિબંધ મૂકાયા બાદ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સ્ટેન્ડિંગમાં અંતર વધી ગયું છે. સમગ્ર શ્રેણીમાં ધીમી ઓવર રેટને કારણે ઈંગ્લેન્ડે 19 પોઈન્ટ અને ઓસ્ટ્રેલિયાના 10 પોઈન્ટ ગુમાવ્યા છે.