મુંબઈથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર સુરત નજીક પથ્થરમારાની ઘટના સામે આવી છે. ટ્રેન નંબર 22961 સુરત રેલવે સ્ટેશન પરથી રવાના થયા બાદ ઉત્રાણ સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અજાણ્યા અસામાજિક તત્ત્વોએ પસાર થતી ટ્રેન પર પથ્થરો ફેંક્યા હતા.

આ ઘટનાને વધુ ગંભીર બનાવતી બાબત એ છે કે વંદે ભારત એક્સપ્રેસમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મુસાફરી કરી રહ્યા હતા. તેઓ એક્ઝિક્યુટિવ કોચમાં સવાર હોવાથી સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા. સદનસીબે પથ્થરમારામાં કોઈ જાનહાનિ થઈ નથી.ઘટના બાદ રેલવે સુરક્ષા તંત્ર હરકતમાં આવ્યું છે અને પથ્થરમારો કરનારા તત્ત્વોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. રેલવે તંત્ર દ્વારા એક શંકાસ્પદ વ્યક્તિને અટકાયતમાં લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે અને પૂછપરછ બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.