પેકેજ્ડ ખાદ્યપદાર્થોમાં વધુ પડતી ખાંડ, મીઠું અને સેચ્યુરેટેડ ફેટ હોય તો તેના પર ફ્રન્ટ-ઓફ-પેક ચેતવણી લેબલ લગાવવાની વ્યવસ્થા લાગુ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને FSSAIને કડક ચેતવણી આપી છે. ગુરુવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના વલણ પર નારાજગી વ્યક્ત કરી અને સવાલ કર્યો કે શું સત્તાધીશો પર કોર્પોરેટ્સનું દબાણ છે?

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે કહ્યું કે આ મામલો નાગરિકોના આરોગ્ય સાથે, ખાસ કરીને વધતી ઉંમરના બાળકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. આવા મહત્વપૂર્ણ નિર્ણયોને કોર્પોરેટ દબાણથી પ્રભાવિત થવા દેવા જોઈએ નહીં.જાહેરહિતની અરજી (PIL) પર સુનાવણી દરમિયાન અરજદારના વકીલે FSSAIની બેઠકની કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે 7 માર્ચે યોજાયેલી FSSAIની બેઠકમાં લેવાયેલા નિર્ણયો સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્દેશોથી વિપરીત છે.

વકીલે કોર્ટનું ધ્યાન એ તરફ પણ દોર્યું કે FSSAIનું કહેવું હતું કે ખાદ્ય ઉદ્યોગ ચેતવણી લેબલ લગાવવાના વિચારનો વિરોધ કરી રહ્યો છે.આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને FSSAIને કડક વલણ અપનાવતા સંકેત આપ્યો કે જો સંબંધિત સત્તાધીશો જરૂરી કાર્યવાહી નહીં કરે તો કોર્ટ પોતે હસ્તક્ષેપ કરી શકે છે.કોર્ટનું વલણ સ્પષ્ટ છે કે પેકેજ્ડ ફૂડ અંગેની નીતિ બનાવતી વખતે કોર્પોરેટ હિત કરતાં જાહેર આરોગ્યને પ્રાથમિકતા આપવી જરૂરી છે.