નવી સિવિલમાં દોઢ મહિનામાં બીજા તબીબનો આપઘાત
ધારદાર વસ્તુથી હાથની નસ કાપી આપઘાત કરી લીધો
એનાટોમી ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં કરતાં હતા અભ્યાસ
‘પરીક્ષામાં એક્ટિવ હતા, અચાનક પગલું ભર્યું’: સુપરિટેન્ડેન્ટ
પોલીસ દ્વારા તપાસ શરૂ કરાય, આપઘાતનું કારણ હજુ અકબંધ
સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજના એનાટોમી ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં તબીબે ધારદાર વસ્તુથી હાથની નસ કાપી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં દોઢ મહિનામાં બીજા તબીબે આત્મહત્યા કરી છે. ગત તા. 9 ઓગસ્ટે રેસિડન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ પોતાના રૂમમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેવામાં ગત તા. 24 સપ્ટેમ્બરે એનાટોમી ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા થર્ડ યરના રેસિડેન્ટ ડોક્ટર યોગેન્દ્ર દિલીપ પ્રજાપતિએ આપઘાત કરી લીધો છે. તેઓએ બપોરના સમયે ડિસેક્શન હોલમાં જ પોતાના ડાબા હાથે 3 કટ મારી અને પગની નસો કાપીને જીવન ટૂંકાવ્યું હતું. જે ડિસેક્શન હોલમાં મૃતદેહોનું પરીક્ષણ કરી સ્ટુડન્ટ તબીબી જ્ઞાન મેળવતા હોય છે, ત્યાં જ આ ઘટના બનતા સિવિલ કેમ્પસમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આપઘાત કરનાર યુવાન ડોક્ટર યોગેન્દ્ર પ્રજાપતિ પરિણીત હતા, અને તેઓ તેમની પત્ની સાથે સિવિલ કેમ્પસની હોસ્ટેલમાં જ રહેતા હતા. મૃતક ડોક્ટરના પત્ની પણ હોમિયોપેથીના ડોક્ટર છે. અગાઉ પત્ની પિયર હોવાથી પિતા યુવક સાથે હોસ્ટેલમાં રહેતા હતા, પરંતુ ઘટનાના 4 દિવસ પહેલા જ તેમની પત્ની 4 મહિનાના બાળક સાથે તેમની સાથે રહેવા આવી હતી. બનાવની જાણ થતાં જ હોસ્પિટલ પરિસરમાં ચકચાર મચી જવા પામી હતી. તો બીજી તરફ, ખટોદરા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી છે કે, કેમ તથા હાથ પર કેટલા કટ્સ માર્યા છે, તે અંગેની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પોલીસે પિતા, પત્ની તેમજ સાથે ભણતા તમામ સહાધ્યાયીઓના નિવેદનો પણ નોંધ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉજ્જવળ ભવિષ્ય સામે હોવા છતાં પત્નીને એકલી મુકીને ડોક્ટરે કયા કારણોસર આટલી ભયાનક રીતે પોતાનો જીવ લીધો તે એક મોટો સવાલ બની ગયો છે.
