ભારતે જાપાનના આઇચી-નાગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2026માં શુક્રવારે બીજો ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે કમલજીત અને સુરુચી સિંહની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમની ફાઇનલમાં પ્રથમ સ્થાન મેળવ્યું.

આ ગોલ્ડ અગાઉ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને ફાઇનલમાં હરાવીને જીતેલા ગોલ્ડ મેડલમાં ઉમેરાયો છે. ભારતીય જોડીએ 484.6ના સ્કોર સાથે એશિયન રેકોર્ડ પણ તોડી નાખ્યો. આ અગાઉનો 481.3નો રેકોર્ડ ઉઝબેકિસ્તાનના મુખમ્મદ કમાલોવ અને નિગિના સાઇદકુલોવાના નામે હતો, જે તેમણે આ વર્ષની શરૂઆતમાં નોંધાવ્યો હતો.

આ ઇવેન્ટના એક દિવસ પહેલાં કેદારલિંગ બાલકૃષ્ણ ઉચાગાનવેના સ્થાને ટીમમાં સામેલ કરાયેલા કમલજીત અને સુરુચીએ ફાઇનલ દરમિયાન મોટા ભાગના સમય સુધી પોતાની આગવી લીડ જાળવી રાખી હતી.ઇન્ડોનેશિયાની ટીમ ચોથા સ્થાને રહીને બહાર થઈ ત્યારે ભારતીય જોડીને ટોચ પર 5.8 પોઇન્ટની લીડ હતી.દક્ષિણ કોરિયાની સુહ્યોન હોંગ અને ગેઉન ચૂએ 478.0ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે ઈરાનના વાહીદ ગોલખંદાન અને હાનિયેહ રોસ્તમિયાનને 415.8ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો.

આ પહેલાં ભારતીય જોડીએ 587 (29 ઇનર 10)ના સ્કોર સાથે એશિયન ગેમ્સ ક્વોલિફિકેશન રેકોર્ડ તોડ્યો હતો. તેણે હાંગઝોઉ 2023માં અન્ય ભારતીય જોડી સરબજોત સિંહ અને દિવ્યા સુબ્બારાજુ દ્વારા નોંધાવવામાં આવેલા 577ના અગાઉના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો.

વધુમાં, કમલજીત અને સુરુચીનો ક્વોલિફિકેશન સ્કોર 2021માં સૌરભ ચૌધરી અને મનુ ભાકરે નોંધાવેલા એશિયન રેકોર્ડની બરાબરી કરતો હતો