સિવિલ હોસ્પિટલમાં ડોકટરના આપઘાતનો મામલો

ડો.હર્ષ પંડ્યાએ ભર્યું હતું અંતિમ પગલું 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ

જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ

રાજ્યવ્યાપી ઉગ્ર વિરોધ પ્રદર્શનની ચીમકી

સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ  ડો.હર્ષ પંડ્યાના આપઘાત કેસ બાદ સમગ્ર રાજ્યમાં અરેરાટી સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ આ મુદ્દે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડો.હર્ષ પંડ્યાના આપઘાતના કેસમાં રેગિંગની ઘટના સામે આવ્યા બાદ તંત્ર દ્વારા કેટલાક રેસિડેન્ટ ડોક્ટરો સામે પ્રાથમિક કાર્યવાહી કરાઈ હતી. પરંતુ આ કાર્યવાહીથી અસંતોષ વ્યક્ત કરતા ABVPના કાર્યકર્તાઓએ આજે મેડિકલ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થી સંગઠનનો આક્ષેપ છે કે કોલેજ પ્રશાસન દ્વારા જવાબદાર રેસિડેન્ટ ડોક્ટરો અને પ્રોફેસરોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને માત્ર દેખાડા પૂરતી જ નાની-મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

ABVPના નેતાઓનું સ્પષ્ટ કહેવું છે કે ડો.હર્ષ પંડ્યાને માનસિક ત્રાસ આપી આપઘાત કરવા મજબૂર કરનાર જવાબદાર રેસિડેન્ટ ડોક્ટરો તેમજ બેદરકાર પ્રોફેસરોના મેડિકલ રજીસ્ટ્રેશન અને ડોક્ટર સર્ટિફિકેટ કાયમ માટે રદ કરવામાં આવે. જો તેમની આ માંગ આગામી બે દિવસની અંદર સંતોષવામાં નહીં આવે, તો ત્રીજા દિવસે સમગ્ર સુરત અને રાજ્યભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અત્યંત ઉગ્ર અને આક્રમક આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.