સુરત : હીરાના કારખાનામાં કારીગરની હત્યા કરનારા આરોપી ભાવનગરના કોવીડ કેર સેન્ટરમાંથી ઝડપાયા

New Update
સુરત : હીરાના કારખાનામાં કારીગરની હત્યા કરનારા આરોપી ભાવનગરના કોવીડ કેર સેન્ટરમાંથી ઝડપાયા

સુરતના વરાછા માતાવાડી વિસ્તારના રંગનગરમાં હીરાના કારખાનામાં કારીગરની હત્યા કરનારા 2 આરોપીને ભાવનગરથી વરાછા પોલીસે ઝડપી પાડ્યા છે. બન્ને આરોપી રેલ્વે પટરી પર ચાલતા-ચાલતા અંકલેશ્વર પહોચ્યા હતા, અને ત્યાંથી લીફ્ટ લઈને ભાવનગર ખાતે કોવીડ કેર સેન્ટરમાં આશરો લીધો હતો.

મળતી માહિતી અનુસાર, 10 દિવસ પહેલાં વરાછામાં રત્ન કલાકારની હત્યા કરવાના ગુનામાં 2 આરોપીઓની વરાછા પોલીસે ભાવનગરના કોવીડ કેર સેન્ટરમાંથી ધરપકડ કરી છે. આ ઘટના અંગે વધુ માહિતી મળી હતી કે, કાળુ બેલડિયાનું માતાવાડી વિસ્તારમાં હીરાનું કારખાનું છે. તેમને ત્યાં નરેશ વલ્લભ ઢાપા નોકરી કરતો હતો. નરેશે બિપીન અને માનસિંગને કાળુ બેલડિયાને ત્યાં નોકરીએ લગાવ્યા હતા. તા. 18મી તારીખની રાત્રે નરેશની હત્યા કરીને બિપીન અને માનસિંગ નાસી ગયા હતા. પોલીસે 10 દિવસ બાદ ભાવનગરથી આરોપી બિપીન ઉર્ફે રાધે ધનજી મકવાણા અને માનસિંગ ઉર્ફે બાઘો ગોહિલને ઝડપી પાડ્યા છે.

વરાછા પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરાતાં નરેશ ઢાપાએ તેમને નોકરીએ રાખ્યા હોવાથી તે રૂબાબ કરતો હતો. તેમની પાસે રસોઈ અને સાફ-સફાઈનું કામ પણ કરાવતો હતો. તા. 17મી તારીખે નરેશે તેમને બ્લેડ મારવાની કોશિશ કરી હતી. બિપીન અને માનસિંગ તેનાથી ત્રાસી ગયા હતા. તેથી બન્નેએ નરેશની હત્યા કરી હતી. બન્ને કતારગામમાં એક જગ્યાએ રોકાયા હતા. જ્યારે બીજા દિવસે અખબારોમાં સમાચાર વાંચતા તેઓ ગભરાયા હતા. જેથી તેઓ રેલ્વે ટ્રેક પર ચાલતા-ચાલતા અંકલેશ્વર ગયા હતા. અને ત્યાંથી હાઈ-વે પર જઈ લિફ્ટ લઈ ભાવનગર પહોંચી એક કોવિડ આઈસોલેશન સેન્ટરમાં રોકાયા હતા. જ્યાં તેઓને જમવાનું પણ મળી રહેતું હતું, ત્યારે આખરે વરાછા પોલીસે હત્યાના બન્ને આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories