ભાજપનો ગઢ ગણાતા એવા સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આમ આદમી પાર્ટીએ ગાબડાં પાડ્યા છે. જેમાં 200 જેટલા ભાજપના સક્રિય કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો તેમજ ધારાસભ્ય દ્વારા કરેલા વાયદા પુરા નહિ કરાતા છેલ્લા કેટલાક સમયથી ભાજપના ઘણા કાર્યકરો નારાજ હતા, ત્યારે આ તકનો લાભ લઇ ભાજપનો ગઢ ગણાતા કામરેજ તાલુકામાં આમ આદમી પાર્ટીના આગેવાનો સક્રિય થયા હતા. ભાજપના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાય અને ભાજપના જ ગઢમાં ગાબડા પડે તે માટેની કામગીરી હાથ ધરી હતી. જોકે, આ કામગીરીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સફળ રહ્યા હતા.
કામરેજની કુંમકુંમ અને વાસ્તુ રો-હાઉસ સહિતની સોસાયટીના 200 જેટલા સક્રિય કાર્યકરોએ ભાવેશ રાદડિયાની આગેવાની ભાજપ સાથે છેડો ફાડી પ્રદેશ સંગઠન મંત્રી રામ ઘડુકના હાથે આમ આદમી પાર્ટીની ટોપી પહેરી હતી, ત્યારે એક સુરે આગામી દિવસોમાં કામરેજ તાલુકામાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવાની હાકલ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ રોહિત જાની, રાજેશ પાસોદ્રા તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.