સુરત : કોરોના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે “ઓક્સિજન એક્સપ્રેસ”, સી.આર.પાટીલે કરાવ્યુ પ્રસ્થાન

New Update
સુરત : કોરોના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે “ઓક્સિજન એક્સપ્રેસ”, સી.આર.પાટીલે કરાવ્યુ પ્રસ્થાન

અમેરિકાથી ગુજરાતીઓએ મોકલેલા 100 ઓક્સિજન કોન્સ્ટ્રેટરની મદદથી સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં “ઓક્સિજન એક્સપ્રેસ” શરૂ કરવામાં આવી છે. આ ઓક્સિજન એક્સપ્રેસમાં ઓક્સિજન કોન્સ્ટ્રેટરની મદદથી દર્દીઓને ઘરે બેઠા ઓક્સિજનની સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

અમેરિકામાં રહેતા દક્ષિણ ગુજરાતના ગુજરાતી સમાજના લોકો દ્વારા 100 જેટલા ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન સુરત મહાનગરપાલિકાને અર્પણ કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓને સરળતાથી સારવાર મળી રહે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ઓક્સિજન એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ ઓક્સિજન એક્સપ્રેસ પાલ અને ઉમરા હેલ્થ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેમાં હેલ્પલાઇન નંબર પર ફોન કર્યા બાદ મેડિકલ ઓફિસરની ટીમ દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવશે, ત્યારબાદ દર્દીને ઓક્સિજનની જરૂરિયાત હશે તો તેને ઓક્સિજન એક્સપ્રેસ મારફતે ઘરે જ ઓક્સિજન આપવામાં આવશે. આ ઓક્સિજન એક્સપ્રેસ કોરોના સંક્રમિત દર્દી માટે ઘરે બેઠાં 5 લિટર પર મિનિટ ઓક્સિજન મળી રહે તેવી સુવિધા કરવામાં આવી છે.

હેલ્પ લાઈન નંબર ઉપર ફોન કરીને દર્દી આ સેવાનો લાભ લઈ શકશે. હાલ સુરત શહેરમાં 100 જેટલા ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીનો છે. જે રોટેશન મુજબ દર્દીઓને આપવામાં આવી રહ્યા છે.

Latest Stories