ખેડૂત આંદોલનને રાજકીય રંગ આપી ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાની વાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરત ખાતે યોજેલી પ્રેસ કોન્ફ્રરન્સમાં કહીને જણાવ્યું હતું.
સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે યોજેલી પ્રેસ કોન્ફ્રરન્સ દરમ્યાન વિરોધ પક્ષ પર આરોપ લગાવતા જણાવ્યુ હતું કે, દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે. જેમાં ખેડૂતો ઓછા અને રાજકીય પાર્ટીના આગેવાનો અને કાર્યકરો વધુ છે, ત્યારે ખેડૂત આંદોલનને રાજકીય રંગ આપી ખેડૂતોને ગેરમાર્ગે દોરી દેશને અસ્થિર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિલમાં ખેડૂતોના હિત માટેની જોગવાઈ કરી છે. ખેડૂત પોતાનો પાક મરજી પ્રમાણે વેચી શકે છે. જોકે 30 દિવસમાં ચુકવણી મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોઈ ચુકવણી ન કરે તો કલેકટર કચેરીમાં ફરિયાદ નોંધાવી શકે છે. જેમાં જિલ્લા કલેકટર 30 દિવસમાં ખેડૂતોને રૂપિયા અપાવશે. એટલું જ નહીં ખેડૂત પોતાના 1000 રૂપિયા લગાડે તો તેમને 500 રૂપિયા નફો મળવો જોઈએ તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ખેડૂતોને જાગૃત કરવા 700 જેતલ સંમેલન કરવામાં આવશે. હાલ દેશભરમાં ખેડૂત આંદોલનને ગેરમાર્ગે દોરવા ખાલીસ્તાન-માઓવાદી જેવી ઘણી શક્તિઓ કામ કરી રહી છે.