/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/06135807/maxresdefault-67.jpg)
સોશિયલ મીડિયા પર કપલ ચેલેન્જના હેશટેગ વચ્ચે સુરત શહેરની ખાનગી હોસ્પિટલમાં અસલી કપલ ચેલેન્જ જોવા મળ્યું છે. કોરોના ગ્રસ્ત દંપત્તિ એક જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જ્યાં પત્ની સાજા થયાં બાદ પણ પતિને છોડીને ન ગયા અને પતિના સજા થવા સુધી કોવિડ હોસ્પિટલમાં જ રહી ગયા. જુઓ રિયલ લાઇફ કપલ ચેલેન્જની આ વિશેષ રિપોર્ટ..
હમણાં ફેસબુક પર કપલ ચેલેન્જ જોરશોરથી ચાલી રહી છે. કપલ્સ તેના ફોટા શેર કરીને આ ચેલેન્જને સ્વીકારી રહ્યા છે. આ વર્ચ્યુલ ચેલેન્જ વચ્ચે સુરતમાં એક એવી કપલ ચેલેન્જ જોવા મળી જેને જોઈને સૌ કોઈ કહી ઉઠ્યા વાહ આ જ છે, અસલી કપલ ચેલેન્જ. વાત એમ છે કે શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા દંપતિ પૈકી પતિને શરદી, શ્વાસ લેવામાં જેવી તકલીફ થતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. ફેફસામાં ભારે નુકશાન હોવાથી તેની હાલત ગંભીર હતી. બાદમાં તેની પત્નીનો કોરોના ટેસ્ટ કરાવતા તે પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી તેને પણ હોસ્પિટલ ખસેડાઇ હતી. જો કે પતિની ઈચ્છા હતી કે પત્ની તેની બાજુમાં રહે. એટલે નજીક નજીકમાં બંનેની સારવાર શરૂ થઈ. ડોક્ટરની ટીમની સરાહનીય કામગીરીને પગલે પત્નીની હાલત સુધરવા લાગી અને આખરે તેને ડિસ્ચાર્જ કરવાનો નિર્ણય લેવાયો. ડોકટરે તેમને કીધું તમે સંપૂર્ણ સ્વસ્થ છો હવે ઘરે જઈ શકો છો. તમારા હસબન્ડની સ્થિતિ થોડી ગંભીર છે પણ અમે સંભાળી લઈશું અને સાજા કરીને ચોક્કસ ઘરે મોકલીશું. પરંતુ પત્નીને તેના એકલા સાજા થવાથી સંતોષ ન હતો. તેમને પ્રેમથી ડોક્ટરને ઘરે જવાની ના પાડી ને પતિની સાથે જ રહેવા દેવા વિનંતી કરી. ડોકટરે ના પાડી તેમ છતાં પત્નીએ જીદ કરતા આખરે ડોકટર તૈયાર થયા તેને પતિ પાસે રહેવા રજા આપી.
ડોક્ટરના જણાવ્યા અનુસાર મહત્વની વાત એ છે કે યુવાનની હાલત ખરેખર ખૂબ ગંભીર હતી. અમે ટ્રાય કરતા હતા પણ તેમ છતાં બચાવી લઈશું એવો પાક્કો ભરોસો આપી શકીએ તેમ ન હતા. પણ આ યુવાન હેમખેમ કોરોનાને હરાવીને બહાર આવ્યો. એ માટે ડોક્ટરની મહેનત તો ખરી જ પણ તેની પત્નીનો જે મોરલ સપોર્ટ મળ્યો એનો પણ મહત્વનો ભાગ છે.