માંડવી ખાતે આરોગ્યમંત્રીના હસ્તે મુખ્યમંત્રી પાક સંગ્રહ તથા કિસાન પરિવહન યોજનાઓ હેઠળ ૧૫ ખેડુતોને ૮.૫૫ લાખની સહાયના મંજૂરીપત્રોનું વિતરણ કરાયું હતું.
ખેડુતોના કલ્યાણને વરેલી રાજય સરકારે ખેડુતોની આવક ડબલ કરવાના ભાગરૂપે આત્મનિર્ભર પેકેજ અંતર્ગત 'સાત પગલા ખેડુત કલ્યાણના' હેઠળ સાત યોજનાઓ પૈકી મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજના હેઠળ માંડવી, ઉમરપાડા અને માંગરોળ તાલુકાના ખેડુતોને માંડવી ખાતે આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઈ કાનાણી તથા અન્ય મહાનુભાવોના હસ્તે ૧૫ જેટલા ખેડુતોને ૮.૫૫ લાખના સહાયના મંજુરી હુકમોનું વિતરણ કરાયું હતું.
ધરતીપુત્રોના કલ્યાણ માટે રાજય સરકાર હંમેશા કટિબધ્ધ રહી છે, એવો મત વ્યકત કરી, આરોગ્ય રાજયમંત્રીએ જણાવ્યું હતું કે, ખેતી અને ખેડુતનો વિકાસ થશે તો જ દેશ, રાજય માનવ સમાજનો વિકાસ થશે. જેને ધ્યાને લઈને ખેડુતો માટે રાજય સરકારે સાત પગલા ખેડુત કલ્યાણ હેઠળ સાત નવી યોજનાઓ અમલમાં મૂકી છે. ખેડુતનો પાક તૈયાર થયા બાદ તેનો સંગ્રહ કરી શકે તેમજ પોષણક્ષમ ભાવ મળે ત્યારે મરજી મુજબ વેચાણ કરી શકે તેવા આશયથી પાક સંગ્રહ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જયારે ખેડુત શહેર સુધી પોતાનો માલ ઝડપી પહોચાડી શકે તે માટે વાહન ખરીદવા માટે રૂા.૭૫ હજાર સુધીની સહાય રાજય સરકાર આપી રહી છે તેનો મહત્તમ ઉપયોગ લેવાનો અનુરોધ કર્યો હતો.
રાજયમંત્રીએ જણાવ્યું કે, અતિવૃષ્ટિ, કમોસમી, દુષ્કાળ સમયે એક પણ રૂપિયાનું પ્રિમીયમ ભર્યા વિના મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ખેડુતોને સહાય આપવામાં આવશે.
કોરોના મહામારી વચ્ચે પણ રાજય સરકારની વિકાસની ગતી ધીમી ન પડે તે માટે લોકહિત, ખેડુતહિતના વિકાસકાર્યો શરૂ કરાયા છે. બે દાયકા દરમિયાન ખેડુતોની આવકમાં થયેલી વૃધ્ધિના આંકડાઓ જણાવીને ઉત્તમથી સવોત્તમની દિશામાં રાજયના વિકાસમાં ભાગીદાર બનવા ખેડૂતોને મંત્રીએ અનુરોધ કર્યો હતો. આ અવસરે રાજયકક્ષાએથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજયના ખેડુતોને સંબોધન કર્યું હતુ. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન દિપકભાઈ વસાવા, ખેત ઉત્પાદન, સિંચાઈ સમિતિના ચેરમેન શ્યામસિંગભાઈ વસાવા, માંગરોળ અને ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ ગામીત તથા દરિયાબેન વસાવા, સંયુકત ખેતી નિયામક કમલેશભાઈ પટેલ, નાયબ બાગાયત નિયામક ડી.કે.પડાલીયા તેમજ મોટી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.