સસ્તા સોનાની લાલચ આપી આચરી છેતરપિંડી
ભેજાબાજે મુન્દ્રા પોર્ટ પરથી સોનુ આપવાની લાલચ આપી હતી
ફરિયાદી પાસેથી રૂ.1.08 કરોડ મેળવીને આચરી હતી છેતરપિંડી
પોલીસે ગુનાનો ભેદ ઉકેલી આરોપીની કરી ધરપકડ
રૂ.44 લાખ રોકડા, ઓડી અને વોલ્વો કાર પણ જપ્ત
સુરતના વરાછા વિસ્તારમાં સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી રૂ. 1.08 કરોડની મસમોટી છેતરપિંડી આચરનારા આરોપીને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે.
સુરતના વરાછા વિસ્તારમાં સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી રૂ.1.08 કરોડની છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી હતી.આ ઘટનાની વિગતો અનુસાર, આરોપી પરેશ રણછોડભાઈ ડોબરીયાએ ફરિયાદીને મુન્દ્રા પોર્ટમાંથી સસ્તા દરે સોનું આપવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા.ત્યારબાદ અમદાવાદ ખાતે એડવાન્સ પેટે રૂપિયા 15 લાખ મેળવ્યા હતા અને સાણંદ ટોલનાકા પાસે રૂપિયા 93 લાખ રોકડા મેળવી લીધા હતા. પૈસા હાથમાં આવતા જ આરોપી સોનુ આપ્યા વગર જ ફોન બંધ કરીને પોતાની ઓડી કારમાં ફરાર થઈ ગયો હતો.
આ ઘટના અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વરાછા પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપી પરેશ ડોબરીયાને બોટાદ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે.
પોલીસે આરોપી પાસેથી રૂપિયા 44 લાખ રોકડા, 2 નંગ મોબાઈલ ફોન તથા ઓડી અને વોલ્વો કાર મળીને કુલ રૂપિયા 64 લાખ 91 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આગળની વધુ તપાસ શરૂ કરી છે.
