વિનાશક તાઉતે વાવાઝોડાના કારણે સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં કેળના પાકને રૂપિયા 150 કરોડથી વધુનું નુકશાન થયું હોવાનો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે, ત્યારે હવે ફરી એક વાર ખેડૂતો સામે મોટી આપદા આવી પડી છે. જેથી સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરાવી ખેડૂતોને થયેલ નુકશાની ચુકવવાની માંગ ઉઠવા પામી છે.
તાઉતે વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે. જેની સૌથી વધુ અસર ખેડૂતોને થઇ છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નદી કિનારે મોટા ભાગે ખેડૂતો કેળાની ખેતી કરે છે. કામરેજના કરજણ ગામે રહેતા શરદભાઈએ પણ પોતાના 10 વીંઘાના ખેતરમાં 6000 જેટલા કેળાના છોડ રોપ્યા હતા. જેનો ખર્ચ અંદાજે રૂપિયા 5 લાખથી વધુ થયો હતો. પરંતુ તાઉતે વાવાઝોડામાં ફૂંકાયેલા પવને શરદભાઈને રડતા કરી દીધા છે.
હજુ કેળાના પાકને એક મહિનાનો સમય બાકી છે, ત્યારે વાવાઝોડાએ લગભગ 90 ટકા કેળાના છોડ જમીન દોસ્ત કરી દીધા છે. જેથી શરદભાઈને લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. માત્ર શરદભાઈ જ નહિ પરંતુ નદી કિનારાના ગામોમાં લગભગ મોટા ભાગના ખેડૂતો કેળાની ખેતી પર નભે છે.
કરજણ ગામની કેળા મંડળીની વાત કરવામાં આવે તો વર્ષે 7થી 8 કરોડ રૂપિયાનું વાર્ષિક વ્યવશય આ મંડળી કરે છે. ગત વર્ષે આજ કેળાના પાકને કોરોના મહામારીનું ગ્રહણ લાગ્યું હતું અને આ વર્ષે ખેડૂતોને સારા પાકની આશા હતી, ત્યાં આ વાવાઝોડાએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાખ્યું છે. કામરેજ તાલુકામાં કેળાના પાકમાં અંદાજે 150 કરોડ રૂપિયા જેટલું નુકશાન થવાની ભીતિ છે, ત્યારે મંડળીના પ્રમુખો પણ હવે સરકાર પાસે ખેડૂતોની મદદ માટે ગુહાર લાગવી રહ્યા છે.