સુરત : કોસંબા નજીક ગેસના બોટલ ભરેલ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, એક બાદ એક થયા “બ્લાસ્ટ”

New Update
સુરત : કોસંબા નજીક ગેસના બોટલ ભરેલ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, એક બાદ એક થયા “બ્લાસ્ટ”

સુરત અને કોસંબા નેશનલ હાઇવે નં. 48 ઉપર આવેલ નંદાવ પાટિયા નજીક કાર અને ગેસના બોટલ ભરેલ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે કાર અને ટ્રકમાં ભીષણ આગ લાગી હતી, ત્યારે આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, સુરત-કોસંબા નેશનલ હાઇવે નં. 48 ઉપર આવેલ નંદાવ પાટિયા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. નંદાવ પાટિયા નજીક કાર અને ગેસના બોટલ ભરેલ ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માત બાદ ગેસના બોટલ ભરેલ ટ્રકમાંથી એક બાદ એક 10 જેટલા બ્લાસ્ટ થયા હતા. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, કાર અને ટ્રકમાં લાગેલી આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવવામાં ફાયર ફાઇટરોને સફળતા મળી હતી. જોકે ઘટનામાં 3 લોકોને નાનીમોટી ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર અકસ્માતની ઘટના અંગે ટ્રક ચાલકે જણાવ્યુ હતું કે, એક બાઇકચાલકને બચાવવા જતાં ગેસ ભરેલ ટ્રક હાઇવેની વચ્ચે જ પલટી મારી ગઈ હતી. ત્યારબાદ પાછળથી પુરપાટ ઝડપે આવતી કાર પણ ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં કારણે ગેસની બોટલ ભરેલ ટ્રકમાં આગ લાગી હતી. ઘટનામાં ટ્રક સાથે કાર પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. જોકે ઘટનાના પગલે હાઇવે ઉપર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો, ત્યારે કોસંબા પોલીસે ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિકને હળવો કરાવ્યો હતો.

Latest Stories