સુરત : કોરોના બાદ હવે કઠોર ગામે ઝાડા-ઉલટીના કેસમાં વધારો, 6 લોકોના મોત

New Update
સુરત : કોરોના બાદ હવે કઠોર ગામે ઝાડા-ઉલટીના કેસમાં વધારો, 6 લોકોના મોત

એક તરફ કોરોના કહેરથી આંશિક રાહત અનુભવી રહ્યા છે, ત્યારે બીજી તરફ દૂષિત પાણીના કારણે ઝાડા ઉલટીના કેસ પણ વધ્યા છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં અને હાલમાં જ શહેરમાં સમાવિષ્ટ કરાયેલા કામરેજ તાલુકાના કઠોર ગામે ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે. જેમાં 50 જેટલા લોકો સારવાર હેઠળ છે, ત્યારે છેલ્લા 2 દિવસમાં 6 લોકોના મોત થતાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.

હાલ કોરોના કેસ ઘટતા લોકો આંશિક રાહત અનુભવી રહ્યા છે, ત્યારે કામરેજના કઠોર ગામના વિવેકનગરમાં એકાએક ઝાડા ઉલટીના કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો. ઝાડા ઉલટીની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી 6 દર્દીના મોત નિપજ્યા હતા. કઠોર ગામને સુરત ગ્રામ્યમાંથી હાલમાં જ શહેર વિસ્તારમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. જેને પગલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તેમજ વિવિધ વિભાગોના કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે. પ્રાથમિક તબક્કે પીવાના પાણીમાં ડ્રેનેજ લાઈનના દૂષિત પાણીનું મિશ્રણ થવાથી પાણી જન્ય કોલેરા રોગ ફેલાયો હોવાનું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

જોકે, આ રોગચારાના કારણે 6 જેટલા નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા. જેમાં મહિલા, પુરુષ, વૃદ્ધ અને બાળકનું મૃત્યુ થયું છે. હાલ 50થી વધુ લોકો સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ બાદ સુરત આરોગ વિભાગ દોડતું થઈ યુદ્ધના ધોરણે કામગીરીમાં લાગી ગયું છે. SMCના ડ્રેનેજ વિભાગ, પાણી ખાતું તેમજ આરોગ્ય વિભાગ સહિતના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પાણીના સેમ્પલો તેમજ પીવાના પાણીમાં ક્લોરીન અને ઓ.આર.એસ. પાઉડર સહિતની દવાઓ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો સાથે જ ડ્રેનેજ વિભાગ દ્વારા દૂષિત પાણી લાઈનમાં સાફ-સફાઈ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાએ પણ સરકાર તરફથી મૃતક પરિવારને સહાય મળી રહે તે માટે હૈયાધરપટ આપી હતી.

અત્રે મહત્વનું છે કે, જ્યારે તંત્રના પાપે નિર્દોષ વ્યક્તિનો જીવ જતો હોય, ત્યારે લોકોમાં તેની સામે ભભૂકતો રોષ જોવા મળતો હોય છે. કનેક્ટ ગુજરાતની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને લોકોની સાચી હકીકત જાણી ત્યારે સ્થાનિકોએ રોષ સાથે જણાવ્યું હતું કે, પીવાના પાણીની સમસ્યા બાબતે તેઓએ અનેક વાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે. પરંતુ તેઓ ફક્ત બતાવવા પૂરતી કામગીરી કરતા હોય છે. જેના કારણે નિર્દોષ લોકોએ ભોગ બની પોતાનો જીવ ગુમાવાવો પડે છે. જવાબદાર તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ તો કરવામાં આવી છે. પરંતુ જે નિર્દોશ લોકોએ જીવ ગુમાવ્યા છે અને પરિવારના સભ્ય ગુમાવ્યા છે, તેનું જવાબદાર કોણ..? શુ તંત્રની લાપરવાહી અને ઢીલી નીતિના કારણે હજુ કેટલા લોકો જીવ ગુમાવતા રહેશે તેવું લોકો રોષભેર જવાબદારીઓને સવાલ કરી રહ્યા છે.

Latest Stories