• રાંદેરના રામનગરમાં મોડી રાતે ખૂની ખેલ

  • ૩૩ વર્ષના યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા

  • સિગરેટ પીવા ભેગા થયા ને ખેલાયો મોતનો ખેલ

  • રાંદેર પોલીસે સગીર સહિત બેની ધરપકડ કરી

  • પોલીસે ઘટનામાં વધુ તપાસ શરૂ કરી 

સુરતના રાંદેર વિસ્તારમાં મિત્રો વચ્ચે સિગરેટ પીવા અને બાઈક ચલાવવા જેવી નજીવી બાબતમાં ખૂની ખેલ ખેલાયો હતો,અને સગીર વયના મિત્રએ પોતાના સાથીદાર સાથે મળીને ચપ્પુના ઘા મારીને યુવકની કરપીણ હત્યા કરી નાખી હતી.

સુરતના રાંદેર વિસ્તારમાંથી મોડી રાતે એક સનસનાટીભરી અને કાળજું કંપાવી દે તેવી હત્યાની ઘટના સામે આવી છેજ્યાં માત્ર સિગરેટ પીવા અને બાઇક ચલાવવા જેવી નજીવી બાબતમાં થયેલી માથાકૂટે એક યુવકનો જીવ લીધો છે. રાંદેરના રામનગર સરકારી આવાસ પાસે મોડી રાતે 33 વર્ષના અમર ઉર્ફે કાલુ પંજવાણી નામના યુવકની ચપ્પુના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. મૃતક અમર ગેરેજનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની વિગત એવી છે કેઅમર પંજવાની સાથે આરોપીઓ સિગરેટ પીવા માટે ભેગા થયા હતાજ્યાં તેમની વચ્ચે બાઈક ચલાવવા અને સિગરેટ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીનું મનદુઃખ રાખીને એક સગીરે પહેલેથી જ પોતાની પાસે ચપ્પુ સંતાડી રાખ્યું હતું. ત્યારબાદ આ સગીરે પોતાના મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલને સાથે રાખીને અમર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતોજેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે અમરનું મોત નીપજ્યું હતું.

આ ચકચારી ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ કાયદો હાથમાં લેનારા સગીર સહિત બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.