સુરત : લોખંડના પાઇપ વડે ઉપરાછાપરી 20થી વધુ ઘા ઝીંકી યુવાનની કરાઇ હત્યા, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ

New Update
સુરત : લોખંડના પાઇપ વડે ઉપરાછાપરી 20થી વધુ ઘા ઝીંકી યુવાનની કરાઇ હત્યા, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ

સુરત શહેરના પુણા વિસ્તારમાં ભર દિવસે એક યુવાનની ફિલ્મી સ્ટાઇલમાં હત્યા થઈ હોવાની ઘટના સર્જાઈ છે. ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સરેજાહેર લોખંડના પાઇપના ઉપરાછાપરી વાર કર્યા બાદ મોંઢાના ભાગે મોટો પથ્થર મારી યુવાનને મોતને ઘાટ ઉતારી હત્યારા ફરાર થઈ ગયા છે.

સુરત શહેરમાં દિન પ્રતિદિન ક્રાઇમનો ગ્રાફ વધી રહ્યો છે. પુણા વિસ્તારના ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના રસ્તા પર ફિલ્મી દ્રશ્યોની જેમ જાહેરમાં રામકુમાર નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, ધર્મેન્દ્ર યાદવ નામનો યુવક પાછળથી લોખંડનો પાઇપ લઇ મારવા માટે દોડી રહ્યો છે. રોડની સાઇડ પર વરસાદી પાણીના કારણે પગ સ્લીપ થઇ જતા ભાગી રહેલો યુવાન પડી ગયો હતો. જેને પીછો કરનાર યુવાને લોખંડના પાઇપ વડે ઉપરાછાપરી 20થી 22 વાર માર્યા હતા. જેમાં માથા, છાતી, પેટ, પગ અને હાથ સહિતના ભાગે ઉપરાછાપરી વાર કર્યા બાદ નજીકમાં પડેલો ભારેખમ પથ્થર ઉંચકી યુવાનના મોંઢા પર માર્યો હતો.

સમગ્ર બનાવની જાણ થતાં જ પુના પોલીસ મથકના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં પોલીસે વધુ તપાસ કરતાં મરણ જનાર અને હત્યારો એક કારખાનામાં કામ કરતા 2 મિત્રો હતા. જે બન્ને વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થતા ખૂની ખેલ ખેલાયો હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે. જોકે કેટલાક લોકો આ ઘટનાને જોઇ હતી પરંતુ હુમલાખોરને અટકાવવાનો પ્રયાસ સુધ્ધા કર્યો ન હતો. હાલ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories