સુરતીલાલાઓને ખાણી-પીણીના શોખીન ગણવામાં આવે છે પણ કોરોનાના કારણે હવે તેમને હોટલ, રેસ્ટોરન્ટ અને લારીઓના બદલે ઘરનું ભોજન આરોગવું પડે તેવા સંજોગોનું નિર્માણ થયું છે.
સુરત શહેર તથા જિલ્લામાં કોરોનાથી પીડાઇ રહેલાં દર્દીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે સુરતમાં રાતના 8 થી સવારના 6 વાગ્યા સુધી કરફયુનો અમલ પણ કરાવવામાં આવી રહયો છે તેમ છતાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે. શહેરમાં વધી રહેલાં કોરોનાના સંક્રમણને ધ્યાને લેતાં મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. કોરોનાના કારણે જાહેર કરવામાં આવેલાં કન્ટેન્મેન્ટ તેમજ માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં ખાણી-પીણીની લારીઓ તેમજ હોટલો અને રેસ્ટોરન્ટ બંધ કરી દેવા આદેશ કરવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના પાંડેસરા, રાંદેર અને અઠવા ઝોનમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. હોટેલો અને રેસ્ટોરન્ટમાં પોઝિટિવ આવી રહયાં હોવાથી મનપાએ આ નિર્ણય લીધો છે.