-
સુરત CP અનુપમ ગેહલોતની મુહિમ રંગ લાવી
-
પોલીસે દેશભરમાંથી શોધી કાઢ્યા ગુમ થયેલા બાળકો અને વૃદ્ધો
-
પોલીસ 260 બાળકો અને 440 વૃદ્ધોના ચહેરા પર લાવી મુસ્કાન
-
પોલીસે ચાર મહિનામાં 696 ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢ્યા
-
વર્ષોથી વિખૂટા પડેલા સંતાનોને જોઈ માતાઓની આંખો છલકાયા
સુરત પોલીસે સેવા પરમો ધર્મના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. પોલીસ કમિશનર અનુપમ ગેહલોત દ્વારા શરૂ કરવામાં આવેલી ઓપરેશન મુસ્કાન મુહિમે સેંકડો પરિવારોમાં ફરી ખુશીઓના દીવા પ્રગટાવ્યા છે.
સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવેલા ‘ઓપરેશન મુસ્કાન‘ અંતર્ગત સુરત પોલીસે માનવતાવાદી અભિગમ સાથે અભૂતપૂર્વ કામગીરી કરી છે. છેલ્લા ચાર મહિનામાં પોલીસે સઘન તપાસ હાથ ધરીને કુલ 696 ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. આ સફળતાએ સેંકડો પરિવારોમાં ફરી એકવાર દિવાળી જેવો માહોલ સર્જ્યો છે.
માત્ર સુરત કે ગુજરાત જ નહીં, પણ આખા દેશભરમાં સુરત પોલીસની ટીમોએ રાત-દિવસ એક કરીને ગુમ થયેલા અને અપહરણ થયેલા માસૂમોને શોધી કાઢ્યા છે.ઓપરેશન મુસ્કાન અંતર્ગત પોલીસે દેશના ખૂણે-ખૂણે જઈને તપાસ હાથ ધરી હતી. જેનું પરિણામ આજે આપણી સામે છે.
પોલીસના ઓપરેશન મુસ્કાન અંતર્ગત એક માતા પોતાના ખોવાયેલા લાલને વળગીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી. વર્ષોની પ્રતીક્ષા અને કાકલૂદી બાદ જ્યારે સંતાન સામે આવ્યું, ત્યારે માતા-પિતાની ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો. સુરત પોલીસની આ સંવેદનશીલ કામગીરીને કારણે આજે સેંકડો પરિવારોમાં ફરી હાસ્ય રેલાયું છે.
કમિશનર અનુપમ ગેહલોતે ખાસ સૂચના આપી હતી કે બાળકો અને વૃદ્ધોના કેસમાં વિશેષ ધ્યાન આપવામાં આવે.આ મિશનમાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સુમેળ સાધીને આ ભગીરથ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.
