Connect Gujarat
ગુજરાત

સુરત : રાજ્યનો સંભવતઃ પ્રથમ કિસ્સો, 14 દિવસના નવજાત બાળકનું 11 દિવસની સારવાર બાદ કોરોનાથી મોત

સુરત : રાજ્યનો સંભવતઃ પ્રથમ કિસ્સો, 14 દિવસના નવજાત બાળકનું 11 દિવસની સારવાર બાદ કોરોનાથી મોત
X

સુરત શહેરમાં હવે કોરોનાના સંક્રમણમાં સપડાતાં બાળકોની સંખ્યામાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે થોડા દિવસો અગાઉ 13 વર્ષના મોટા વરાછા વિસ્તારના બાળકનું કોરોનાથી મોત થયું હતું. ત્યાર બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 11 દિવસથી સારવાર લઈ રહ્યા 14 દિવસના નવજાત બાળકનું કોરોનાથી મોત થયું છે. કોરોનાના કારણે ગુજરાતમાં 14 દિવસના બાળકનું મોત થયું હોવાનો કદાચ આ પહેલો કેસ માનવામાં આવી રહ્યો છે.

મૃતક બાળકના પિતા રોહિત વસાવાએ જણાવ્યું હતું કે, બાળકના જન્મના ત્રીજા દિવસે પુત્રની તબિયત બગડી હતી. અમે વ્યારા લઈ ગયા હતા. બાળકને કિડની અને ખેંચની બીમારી હતી. જોકે કેટલાક રિપોર્ટ બાદ બાળક કોરોના પોઝિટિવ હોવાનું કહી અમને બાળક સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેની પ્રસૂતા પત્નીનો પણ રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. પરંતુ પત્ની અને પતિ બન્ને નેગેટિવ હોવાનું કહેવામાં આવ્યું હતું. પ્રસૂતાને આ બીજી પ્રસૂતિ હતી. પહેલી પ્રસૂતિમાં દીકરીને જન્મ આપ્યો હતો. મૃતક બાળકના પિતાએ વધુમાં ઉમેરતાં કહ્યું હતું કે મારા નવજાત બાળકને કિડની અને ખેંચની બીમારી હતી. ત્યાર બાદ આ બધી તકલીફો ઊભી થઇ હતી. બાળકનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ હોવાનું તબીબે જણાવ્યું હતું, ત્યારે હાલ બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યો છે.

Next Story