ગ્લાસગોમાં ચાલી રહેલી 2026 કોમનવેલ્થ ગેમ્સમાંથી ભારત માટે ખૂબ જ ગર્વ લેવા જેવા સમાચાર આવ્યા છે. ભારતની શાન અને સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગમાં શાનદાર પ્રદર્શન કરતા દેશને આ ગેમ્સનો પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. મીરાબાઈએ મહિલાઓની 48 કિગ્રા વજન વર્ગ શ્રેણીમાં આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ખાસ વાત એ છે કે કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં આ મીરાબાઈનો સતત ચોથો મેડલ છે અને ગોલ્ડ મેડલની હેટ્રિક છે. આ સાથે જ ચોથા દિવસે ભારતીય છાવણીમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો છે.

મીરાબાઈ ચાનુએ સતત ત્રણ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને એક અનોખો ઈતિહાસ રચી દીધો છે. અગાઉ તેમણે વર્ષ 2018 અને 2022 ની કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો અને હવે 2026 માં પણ આ સિલસિલો જાળવી રાખ્યો છે. અત્રે નોંધનીય છે કે, 2014 ની ગેમ્સમાં પણ તેમણે સિલ્વર મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું.

ભારતની આ દીકરીએ સ્નેચ (Snatch) અને ક્લીન એન્ડ જર્ક (Clean and Jerk) રાઉન્ડમાં કુલ મળીને 190 કિગ્રા વજન ઉપાડ્યું હતું. તેમની આ જીત એટલા માટે પણ ખાસ છે કારણ કે તેમણે બીજા સ્થાને રહેલી નાઈજીરીયાની વેઈટલિફ્ટર રૂથ ન્યોંગ’ઓ કરતાં પૂરા 22 કિલો વધુ વજન ઉપાડીને સ્પષ્ટ સરસાઈ મેળવી હતી.સ્પર્ધાની શરૂઆતમાં જ મીરાબાઈએ 82 કિલોનું સૌથી વધુ વજન પસંદ કર્યું હતું, જેના કારણે તેમણે મોડી રાત્રે મેદાનમાં ઉતરવું પડ્યું હતું. જ્યારે બીજી બાજુ, નાઈજીરીયા અને શ્રીલંકાના તેમના સીધા વિરોધીઓ વજન ઉપાડવામાં નિષ્ફળ જતા સ્પર્ધામાંથી બહાર થઈ ગયા હતા.

સ્નેચ રાઉન્ડમાં મીરાબાઈનું પ્રદર્શન જોવાલાયક હતું. તેમણે પોતાના બીજા પ્રયાસમાં 82 કિલો અને ત્રીજા પ્રયાસમાં 85 કિલો વજન ઉપાડીને કોમનવેલ્થ ગેમ્સના બે નવા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.